Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

નીતિનભાઈ પટેલે કહ્યુ કે હું મહેસાણા છોડવાનો નથી : ચૂંટણી લડાઇને જતો રહેવાવાળો ખેલાડી નથી, એ રાજકારણીઓ જુદા

દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં કઇ ચર્ચા વિચારણા થતી હોય તે પહેલા જ મે પત્ર લખીને જાહેરાત કરીને કહ્યુ- હું ઉમેદવારી કરવા માંગતો નથી

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 166 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જોકે, આ ચૂંટણીમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના સીનિયર નેતાઓ ચૂંટણી લડવાના નથી. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે આ મામલે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. નીતિનભાઈ  પટેલે કહ્યુ કે હું મહેસાણા છોડવાનો નથી.

મહેસાણામાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ સાથે સ્ટેજ પર જોવા મળેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે કાર્યકરોને કહ્યુ કે, તમને નવાઇ લાગશે કે મે કેમ સામેથી ચૂંટણી લડવાની ના પાડી. મહેસાણામાં એક તરફી અભિપ્રાય મારો આવ્યો હતો.નીતિનભાઈ પટેલે વધુમાં કહ્યુ કે, “હું મહેસાણા છોડવાનો નથી, ચૂંટણી લડાઇને જતો રહેવાવાળો ખેલાડી નથી, એ રાજકારણીઓ જુદા.

પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ત્રણ દિવસ સુધી 182 વિધાનસભાના ઉમેદવારના નામની ચર્ચા કરી હતી અને યાદી દિલ્હી મોકલવામાં આવી હતી. દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં કઇ ચર્ચા વિચારણા થતી હોય તે પહેલા જ મે પત્ર લખીને જાહેરાત કરીને કહ્યુ- હું ઉમેદવારી કરવા માંગતો નથી. શરૂઆત મે કરી પછી વિજય ભાઇએ પણ જાહેરાત કરી અને બીજા બધા ઓટોમેટિક પછી આવવા લાગ્યા.”

નીતિનભાઈ  પટેલે વધુમાં કહ્યુ કે, 90 ટકા કાર્યકરોએ જેને અભિપ્રાય આપવાનો અધિકાર હતો તેમાંથી મહેસાણા માટે મારો જ અભિપ્રાય આપ્યો હતો. નીરિક્ષકોએ પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ વાત કરી હતી. મહેસાણામાં એક તરફી અભિપ્રાય નીતિન ભાઇનો આવ્યો હતો.

નીતિનભાઈ  પટેલ ચાર દાયકાથી ગુજરાતના0 રાજકારણમાં સક્રિય છે. આઠ વખત તેમણે નાણાંમંત્રી તરીકે બજેટ રજૂ કર્યુ છે. મહેસાણાના વીસનગરમાં 22 જૂન, 1956માં જન્મેલા નીતિન પટેલના દાદા ગર્ભશ્રીમંત હતા અને તેમનો તેલ-કાપડનો વેપાર હતો. નીતિનભાઈ  પટેલને યુવાન વયે જ રાજકારણમાં રસ પડ્યો હતો અને બી.કોમનો અભ્યાસ અધૂરો છોડીને રાજકારણમાં આવ્યા હતા. રાજકીય કારકિર્દીનું કેન્દ્ર કડી રહ્યુ છે. 1977માં કડી નગર પાલિકામાંથી તે પ્રમુખ બન્યા હતા અને 1988 સુધી એક દાયકો કડી પાલિકામાં રહ્યા હતા.

નીતિનભાઈ  પટેલ 1990માં કડી બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. 1995માં ભાજપની સરકાર બની ત્યારે આરોગ્ય મંત્રી બન્યા હતા. 2001માં નરેન્દ્રભાઈ  મોદીનું આગમન થયુ અને વજુભાઇ વાળાએ તેમના માટે પોતાની બેઠક ખાલી કરી ત્યારે નીતિનભાઈ  પટેલને નાણા ખાતુ આપવામાં આવ્યુ હતુ. નીતિનભાઈ  પટેલ 2002ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા અને તેમની રાજકીય કારકિર્દીને પ્રથમ વખત બ્રેક લાગી હતી. 2007માં ફરીથી કડીમાં જ બળદેવજી ઠાકોરની સામે ઉભા રહ્યા હતા અને 1327 મતે જીતીને સરકારમાં પાછા આવ્યા હતા.

સીમાંકન પછી કડી બેઠક અનામત થઇ એટલે 2012માં નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2017માં પણ આ બેઠક પરથી જ ચૂંટણી લડીને નીતિનભાઈ  પટેલ જીત્યા હતા. જોકે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં નીતિનભાઈ  પટેલે ચૂંટણી ના લડવાની જાહેરાત કર્યા બાદ ભાજપે મહેસાણા બેઠક પર મુકેશ પટેલને ટિકિટ આપી હતી.

 

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

(12:16 am IST)