Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કોર્પોરેટરોને મહિને થોડાક હજાર રુપિયાનું જ વેતન છતાં પણ પાંચ વર્ષમાં બખ્ખા કેમ ?

કોર્પોરેટરોને મહિને થોડાક હજાર રુપિયાનું જ વેતન મળતું હોય છે અને કોઈ કમિટિ કે બોર્ડમાં તેઓ હાજરી આપે તો તેમને બેઠકદીઠ થોડો ખર્ચોપાણી પણ મળી જાય છે. આટલો ઓછો પગાર હોવા છતાં પાર્ટીઓમાં કોર્પોરેટરની ચૂંટણીમાં ઉમેદવારી મેળવવા માટે ખેંચતાણ હોય છે. હાલ રાજયમાં ઘણા એવા કોર્પોરેટરો એવા પણ છે કે તે ચૂંટણી જીત્યા બાદ પ્રજાના કામોને સાઈડ કરી દેતા હોય છે અને પોતાની તીજોરી ભરવામાં વધારે રસ રાખે છે.

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ પાર્ટીના ઉમેદવારો પોતાના વિસ્તારોમાં વરધોડો કાઢી, સરઘસ કાઢી,ઢોલ નગારા વગાડી અથવા ભગવાન આગળ માથુ ટેકી મતદાતાઓને રિઝવવા માટે કામે લાગી ગયા છે. ત્યારે ભોળી પ્રજાને કોર્પોરેટરોના કામ વિશે કોઈ માહિતી નથી હોતી અને તે લોકોને એ પણ ખબર નથી કે કોર્પોરેટરોનો પગાર કેટલો હોય છે. જો કે તમને જણાવી દઈએ કે કોર્પોરેટરનો પગાર મહિને 15 હજાર જ હોય છે, પરતું જો તેઓ કોઈ કમિટિ કે બેઠકમાં હાજરી આપે તો તેમને બેઠકદીઠ 500 રુપિયા આપવામાં આવે છે

પ્રજા પોતાનો કિંમતી મત આપી તેઓના વિસ્તારમાં એક કોર્પોરેટરને ઉભો કરે છે અને એવી આશા પણ રાખતી હોય છે કે, આ વખતે આ કોર્પોરેટર સારો છે જે આપણા વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવશે. પરતું હજી પણ શહેરમાં ઘણા એવા કોર્પોરેટર છે જે ચૂંટણીના સમયમાં મત લેવા માટે લોકો વચ્ચે જઈ મોટી મોટી વાતો કરે છે અને તેમની તમામ સમસ્યાઓ દૂર કરવા માટેની ડંફાશ મારે છે, પણ તે ફકત મત લેવા માટે જ હોય છે. શહેરના ઘણા વિસ્તાર હજી પણ એવી હાલતમાં જોવા મળી રહ્યા છે જયા કોઈ પણ પ્રકારનો વિકાસ જોવા મળી રહ્યો નથી અને જે તે પાર્ટીના કોર્પોરેટરો બજેટ પાસ કરાવીને પોતાની તીજોરીઓ ભરતા હોય છે

રાજકીય પદો પહેલાંના જમાનામાં સેવાની ઉચ્ચ ભાવનાથી મેળવવામાં આવતા હતા હવે ઉચ્ચ પદ આર્થિક ઉપાર્જનનું મજબૂત સાધન બની ગયું છે. આ સત્ય તમામ ટિકિટવાંચ્છુઓ સારી પેઠે સમજતા થયા છે. મ્યુનિ.ના ઉપરના પાંચ હોદ્દેદારો અને 14 જેટલી કમિટીઓના ચેરમેનોને કાર અને ડ્રાયવરની સુવિધા મળતી હોય છે. મેયરને લૉ ગાર્ડન જેવા સમૃદ્ધ વિસ્તારમાં બંગલો મળતો હોય છે. ઉચ્ચ હોદ્દેદારોથી સામાન્ય કોર્પોરેટર સુધીના તમામ તેમની આવડત પ્રમાણે બે નંબરની કમાણીના સાધનો શોધી જ કાઢતા હોય છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ મલાઈદાર ગણાય છે.

ઉપરાંત ભવિષ્યમાં ધારાસભ્ય કે મંત્રી બનવાના સપના જોતા હોય, તેમના માટે કોર્પોરેટરે બની ગયા પછી રસ્તો ખુલ્લો ખુલ્લો થતો હોય છે. આગળ જવા માગનારાઓ નાના નાના ભ્રષ્ટાચારમાં ઇમેજ બગાડતા નથી તેઓ વ્યક્તિગત ઇમેજ બનાવીને લાંબો કૂદકો મારવાની તૈયારી કરતા હોય છે

જ્યારે ઝડપથી ધનિક થઈ જવાના સપના જોનારાઓ ગેરકાયદે બાંધકામોના હપ્તા, જે કમિટીના ચેરમેન હોય તે કમિટીના એજન્ડા પર આવતા કામોમાંથી કમિશન, કોન્ટ્રાક્ટર સાથે પોતાના દિકરા કે જમાઈને ગુપ્ત રીતે ભાગીદારીમાં ગોઠવી દઈને તેને કરોડોના કામો મળે તેવી ગોઠવણ પાર પાડવી, મોટી ખરીદના ટેન્ડરમાં ટકાવારી વગેરે બાબતો મુખ્ય છે.

કેટલીક વખત તો ચૂંટણી કે પાર્ટીફંડના નામે પણ ટકાવારી લેવાતી હોય છે. ભ્રષ્ટાચાર નિર્મૂલનની ચૂંટણી પર પોકારાતી ગુલબાંગો ચૂંટણી પત્યે પોટલું વાળીને માળીએ ચડાવી દેવામાં આવે છે. ક્યારેક તો દેખીતી રીતે જ ખોટું હોય તેવું કામ ઉપરવાળા ગાંધીનગરમાં બેઠેલાઓના નામે કરી કાઢવામાં આવે છે

બીજી તરફ વિપક્ષના કોર્પોરેટરો પણ ગેરકાયદે બાંધકામના હપ્તા સહિતની કમાણી કરી લેતા હોય છે. બોર્ડમાં સત્તાવાળાઓની વિરોધમાં બોલીને બળાપો કાઢ્યા બાદ, ઓફિસની અંદર ‘મિલકે લૂંટો, બાંટકે ખાવ’ના મુદ્રાલેખ પ્રમાણે બધું જ સમુ-સુતરૂં ગોઠવાઈ જતું હોય છે. આ બે નંબરની કમાણીની મલાઈ દેખી ગયેલાઓ ટિકિટ મેળવવા ધમપછાડા કરતા હોય છે

(12:35 am IST)