Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ગાંધીનગર જિલ્લાના બિલોદરામાં 6 વર્ષ પહેલા કૌટુંબિક દીયરે ભાભીને આડા સંબંધ રાખવા પરેશાન કરતા પરિણીતાએ શરીરે આગ ચાંપી જીવન ટુંકાવતા આરોપીને સાત વર્ષની સજાની સુનવણી

ગાંધીનગર:જિલ્લાના બિલોદરામાં વર્ષ અગાઉ પરિણીતાના કૌટુંબિક દિયરે આડા સંબંધ રાખવા હેરાન પરેશાન કરતાં કંટાળીને પરિણીતાએ શરીરે કેરોસીન છાંટી આપઘાત કરી લીધો હતો. જે સંદર્ભે માણસા પોલીસ સ્ટેશનમાં આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો હતો. જે કેસ ગાંધીનગર એડી.ડીસ્ટ્રીકટ કાર્ટમાં ચાલી જતાં કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહય રાખી આરોપીને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે.  

કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બિલોદરા ગામે રહેતાં લક્ષ્મીબેન ખોડાજી ઠાકોરને તેમની પાડોશમાં રહેતો કૌટુંબિક દિયર ભરતજી રેવાજી ઠાકોર આડા સંબંધ રાખવા માટે હેરાન પરેશાન કરતો હતો અને જેનાથી કંટાળી જઈને ગત તા.ર૭ મે ર૦૧૬ના રોજ ભરતજીએ ઘરે આવી અણછાજતી માંગણી કરતાં લક્ષ્મીબેને શરીરે કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. જે સંદર્ભે માણસા પોલીસ સ્ટેશનમાં આરોપી ભરતજી સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગર એડીશનલ ડીસ્ટ્રીકટ જજશ્રી એસ.એમ.સોલંકીની કોર્ટમાં ચાલ્યો હતો. જયાં સરકારી વકીલ પ્રિતેશકુમાર ડી.વ્યાસે ફરીયાદીમૃતકના બાળકો તથા ડોકટર અને તપાસ અધિકારીની જુબાની લીધી હતી અને આરોપીને સમાજમાં દાખલો બેસે તે રીતે સખતમાં સખત સજા કરવા માટે દલીલો કરી હતી. જેના પગલે કોર્ટે આરોપીને આપઘાતના દુષ્પ્રેરણના ગુનામાં સાત વર્ષ સખત કેદની સજા અને પાંચ હજાર રૃપિયા દંડનો હુકમ કર્યો હતો. 

(5:42 pm IST)