Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ડેડીયાપાડાની નવી હોસ્પિટલને રાતો રાત કેમ ચાલું કરી દેવાઈ: શુ ચૈતર વસાવાની રજુઆતે આંખ ઉઘાડી..?!

- ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતા રેલો નર્મદા જિલ્લા વહીવટીતંત્ર સુધી પહોંચ્યો હોવાની ચર્ચા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ડેડીયાપાડાની નવી બનેલી હોસ્પિટલનું બિલ્ડીંગ છેલ્લાં 2 વર્ષથી બનીને તૈયાર હોવા છતાં લોકાર્પણ થતુ ન હોવાથી સ્થાનિકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો.આ બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં રજૂઆત કરી તો બીજી બાજુ ગણતરીના દિવસમાંએ નવી હોસ્પિટલ ચાલુ થઈ જતાં ચૈતર વસાવાની રજુઆત બાદ સરકારે નર્મદા જિલ્લા વહીવટીતંત્રને નવી હોસ્પીટલ ચાલુ કરવા રીતસરનું દબાણ કર્યું હોવા સહિતની અનેક ચર્ચાઓ થઈ રહી છે.બીજી બાજુ ચૈતર વસાવાની રજુઆતને પરિણામે જ નવી હોસ્પિટલ બિલ્ડિંગનુ રાતો રાત લોકાપર્ણ કરી દેવાયુ હોવું જોઈએ એમ કહીએ તો અતિશયોકિત ન કહેવાય.

ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડાની જુની જર્જરિત હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.અને જો વેહલી તકે નવા બિલ્ડિંગનું લોકાર્પણ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.સાથે સાથે ચૈતર વસાવાએ આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ ડેડીયાપાડા નવી હોસ્પિટલ બિલ્ડીંગનું વેહલી તકે લોકાર્પણ કરવા લેખિત રજૂઆત કરી હતી.ચૈતર વસાવાએ વિધાનસભામાં અને આરોગ્ય મંત્રીને કરેલી લેખિત રજુઆતનો રેલો નર્મદા જિલ્લા વહીવટીતંત્ર સુધી પહોંચ્યો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
2 વર્ષ સુધી ડેડીયાપાડાની નવી હોસ્પિટલ બિલ્ડિંગનુ લોકાપર્ણ કરવાનું કોઈને સુજ્યું નહિ અને કોઈને ભનક પણ ન આવે એ રીતે ચુપ ચાપ ડેડીયાપાડાની જુની હોસ્પિટલનો જરૂરી સામાન અને દસ્તાવેજ રાતો રાત નવી હોસ્પિટલમાં સિફ્ટ કરી દેવાયો હોવાની પણ સુત્રો પાસેથી માહીતી મળી છે.ત્યારે કોઈ પણ જાતના જાહેર કાર્યક્રમ કે કોઈને પણ જાણ કર્યા વિના નવી હોસ્પિટલ કોના ઈશારે ચાલુ કરી દેવાઈ હશે સહિત અનેક પ્રશ્નો લોકોમા ચર્ચાઈ રહ્યા છે. લોકોમા એ પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે કે જો 2 વર્ષ પેહલા જ જો નવી હોસ્પિટલ બિલ્ડિંગનું લોકાર્પણ કરી દેવાયું હોત તો સ્થાનિકોને વધુ તકલીફ વેઠવાનો વારો આવત જ નહિ.

   
(10:40 pm IST)