Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નર્મદા જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સ્ટૂડન્ટસ પોલીસ કેડેટ્સ માટે યોજાયેલી મુલાકાત

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ - ગોરાના વિદ્યાર્થીઓને એકતાનગર સ્થિત મિયાંવાકી ફોરેસ્ટની મુલાકાત કરાવી વન સંપદાઓ અંગે માહિતગાર કરાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. જે અંતર્ગત સ્ટૂડન્ટસ પોલીસ કેડેટ્સ માટે આજે શનિવારે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ - ગોરાના વિદ્યાર્થીઓ માટે  નાયબ પોલીસ અધિક્ષક પી.આર. પટેલની આગેવાનીમાં એકતાનગર સ્થિત મિયાંવાકી ફોરેસ્ટની મુલાકાત યોજાઈ હતી. જ્યાં વન વિભાગના ગાઈડ ગૌરવ પટેલે વિદ્યાર્થીઓને મિયાંવાકી ફોરેસ્ટ અને અન્ય વન સંપદાઓ વિશે વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી.

 ફોરેસ્ટની મુલાકાત બાદ એકતાનગર ખાતે ચાલી રહેલી નેશનલ તિરંદાજી સ્પર્ધા વિદ્યાર્થીઓએ નિહાળી હતી. ભવિષ્યમાં આ પ્રકારની સ્પર્ધામાં ભાગ લેવા માટે શું તૈયારીઓ કરવી, ઓલિમ્પિક કક્ષાએ કેવી રીતે સ્પર્ધા થાય છે તે અંગે પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરું પડાયું હતું. આ એકદિવસીય મુલાકાતમાં શાળાના ૪૪ વિદ્યાર્થીઓ સાથે એકતાનગર પોલીસ મથકના પી.એસ. આઈ. બાવિશ્કર, શાળાના શિક્ષક પણ જોડાયાં હતાં.

   
(10:41 pm IST)