Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આર્થિક વિવાદ બાદ વેપારી થયા ગુમ : મળ્‍યા મોબાઈલ અને બાઈક

અમદાવાદના ૫૦ વર્ષીય વિનોદ પટેલ પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેક્‍ચરિંગનો વ્‍યવસાય કરતા હતાઃ તેઓએ એક શખસને ૬૫ લાખ રૂપિયા ઉછીના આપ્‍યા હતા : જે બાદ આ શખસ રૂપિયા પરત કરી રહ્યો નહોતો અને તેમને ધંધો બંધ કરવાનો વારો આવ્‍યો હતો : બીજી તરફ કાચો માલ પૂરો પાડતા શખસો પણ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતાદિવસ પછી એક

અમદાવાદ તા. ૧૩ : ઓઢવ જીઆઈડીસીમાં પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેક્‍ચરિંગનો વ્‍યવસાય કરતા નિકોલના ૫૦ વર્ષીય વિનોદ પટેલ ૨૭ ફેબ્રુઆરીના રોજ ગુમ થયા હતા. અન્‍ય વ્‍યક્‍તિને રૂપિયા ઉછીના આપ્‍યા બાદ તેઓ નાદાર બની ગયા હતા. તેમનો મોબાઈલ ફોન અને બાઈક ગાંધીનગરના દહેગામ તાલુકાના મોટા જલુન્‍દ્રા ગામની નર્મદા કેનાલ પાસેથી મળી આવ્‍યા હતા. જો કે, તેઓ જીવિત છે કે મૃત્‍યુ પામ્‍યા છે તે અંગે હજુ સુધી પોલીસ જાણી શકી નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિનોદ પટેલના પત્‍ની પૂર્વી પટેલે રવિવારે નાગરવેલ વિસ્‍તાના બે વેપારી પ્રફુલ્લ શાહ અને તેના પુત્ર પુર્વીન શાહ અને અન્‍ય ભાવિન કાછડિયા નામના શખસ વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. નિકોલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પૂર્વી પટેલે એવા આક્ષેપ કર્યા છે કે, તેમના પતિએ લગભગ એક વર્ષ પહેલાં કાછડિયાને રુપિયા ૬૫ લાખ ઉછીના આપ્‍યા હતા. જો કે, કાછડિયાએ આ રૂપિયા પરત કર્યા નહોતા. જે બાદ વિનોદ પટેલને પોતાનો ધંધો બંધ કરવાની નોબત આવી હતી.

આ દરમિયાન પ્રફુલ્લ અને પૂર્વીન કે જેઓ વિનોદ પટેલને પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેક્‍ચરિંગ માટે કાચો માલ પૂરો પાડતા તેઓ પણ સતત રૂપિયાની માગણી કરતા હતા. આર્થિંગ તણાવના કારણે વિનોદ પટેલ ગઈ ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે પોતાના ઘરેથી ચાલ્‍યા ગયા હતા. બાદમાં તેમની પત્‍ની પૂર્વીએ એ જ દિવસે બપોરે તેમને ફોન કર્યો તો સ્‍વિચ ઓફ આવતો હતો. એ પછી પહેલી માર્ચના રોજ દહેગામ પોલીસે પૂર્વી પટેલને વિનોદ પેટલના મોબાઈલ નંબર પરથી ફોન કર્યો હતો અને જાણ કરી હતી કે તેમના મોબાઈલ અને બાઈક મળી આવ્‍યા છે.

પોલીસે જયારે વિનોદ પટેલનો મોબાઈલ તપાસ્‍યો તો તેમાંથી એક વિડીયો મળી આવ્‍યો હતો. જેમાં વિનોદ પટેલ કહી રહ્યા હતા કે કાછડિયાએ તેમના રૂપિયા પરત કર્યા નથી અને એના કારણે તેઓ આર્થિક તંગીમાં આવી ગયા છે. બીજી તરફ, પ્રફુલ્લ અને પૂર્વીન તેમને રૂપિયા પરત નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જે બાદ નિકોલ પોલીસે પ્રફુલ્લ અને પૂર્વીન તથા કાછડિયા વિરૂદ્ધ ખંડણીનો ગુનો નોંધ્‍યો હતો આગળની તપાસ હાથ ધરી હતી

(11:31 am IST)