Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની દિશામાં ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં આગળ ધપતું ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ : ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટે અત્યાર સુધીમાં રૂ. ૫૪૮૫૨ કરોડના ૨૦ MoU થયા : ૨૪ હજાર ૭૦૦ જેટલી સૂચિત રોજગારીની તકો ઊભી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાંસોમવારે એક જ દિવસમાં ૧૬ એમ. ઓ. યુ. સંપન્નરાજ્યમાં વધુ રૂપિયા ૧૨૭૦૩ કરોડનું રોકાણ આવશેઅને ૧૩ હજારથી વધુ લોકો રોજગારી મેળવશે : કુલ ૬૭૫૫૫ કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ.થી ૩૮ હજારથી વધુ રોજગારી ઊભી થશે

રાજકોટ તા.૧૩

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. 

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે. 

આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૬ જેટલા એમ.ઓ.યુ સોમવારે તા. ૧૩ મી માર્ચે એક જ દિવસમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે. 

આ ૧૬ જેટલા બહુવિધ MoU ને પરિણામે રાજ્યમાં રૂપિયા ૧૨૭૦૩ કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૩૮૮૦ સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં  ઑક્ટોબર ૨૦૨૨માં શરૂ કરવામાં આવેલી ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના અન્વયે અત્યાર સુધીમાં કુલ  ૫૪૮૫૨  કરોડના સૂચિત રોકાણોના ૨૦ એમ ઓ યુ થયા છે. આના પરિણામે ૨૪૭૦૦થી વધુ સૂચિત રોજગાર અવસર મળવાના છે.

ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોમવારે થયેલા વધુ ૧૬ એમ.ઓ.યુ. સાથે કુલ ૩૬ એમ.ઓ.યુ. રૂપિયા ૬૭ હજાર ૫૫૫ કરોડના સૂચિત રોકાણો માટે થયા છે અને અંદાજે ૩૮૬૩૧ લોકોને રોજગારી મળશે.

સોમવારે તારીખ ૧૩મી માર્ચે થયેલા બહુવિધ એમ.ઓ.યુ. અન્વયે કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે.

મોટાભાગના ઉદ્યોગો ૨૦૨૪-૨૫ સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે તેમ જ આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં ૫, સાણંદ અને ભરુચના ઝઘડીયામાં ૩-૩, પાનોલીમાં ૨ તેમ જ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં ૧-૧ ઉદ્યોગો શરૂ થવાના છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝનો યોગ્ય લાભ અને જરૂરી મદદ સહાય ઉદ્યોગોને પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવી હતી. 

ઉદ્યોગમંત્રી બલવંત સિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન ગુજરાતની આ યોજના રાજ્યમાં ઉદ્યોગ-રોકાણોને વધુ આકર્ષિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

આ રોકાણોથી ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું વિઝન સુદ્રઢ થશે. એટલું જ નહિ, સમગ્ર દેશ માટે વધુ પ્રગતિનો માર્ગ નિર્ધારિત થશે અને ભારતીય સમુદાયને સામુહિક રીતે આગળ વધવાની સાથે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર લઇ જવાની તક મળશે. 

આ MoU સાઇનિંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર  રાહુલ ગુપ્તા, ઈન્ડેક્સ-બીના એમ.ડી.  મમતા હિરપરા તથા વરિષ્ઠ અધિકારીઓ, રોકાણકારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

(2:53 pm IST)