Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બે વર્ષમાં પુરવઠા વિભાગના ૧૫૫ દરોડાઃ ૧.૯૦ કરોડના ઘઉં, ચોખા, દાળ પકડાયા

ખાદ્યતેલના ભાવ બેફામ છતા સરકારી તંત્ર નિંદ્રાધીન હોવાનો વિપક્ષનો આક્ષેપ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૧૩ : નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રીને ખાદ્યાન અને ખાદ્યતેલના દરોડા અંગે પુછેલ પ્રશ્‍નોની સંકલિત માહિતી મુજબ બે વર્ષમાં ગેરકાયદેસર સંગ્રહ કરેલ ખાદ્યાન્‍ન ૧૫૫ દરોડાઓ પાડવામાં આવ્‍યા છે. આ દરોડામાં ઘઉં, ચોખા અને તુવેરદાળનો ૬,૯૨,૨૨૫ કિ.ગ્રા. અનાજનો રૂા. ૧,૯૦,૬૪,૯૫૨ની કિંમતનો જથ્‍થો રાજયસાત કરવામાં આવેલ. જ્‍યારે રાજયના ૯ જિલ્લાઓમાં એક પણ વખત દરોડામાં પાડવામાં આવ્‍યા નથી.

 બે વર્ષમાં રાજયમાં ૧૫૫ દરોડાઓ એટલે કે સરેરાશ પાંચ દિવસે એકવાર દરોડા પાડવાની કામગીરી થાય છે. બીજુ બાજુ બે વર્ષમાં રાજયમાં ખાદ્યતેલના ભાવો રેકર્ડબ્રેક પહોંચેલા તેમ છતાં બે વર્ષમાં કયા તેલ મીલરો અને તેલીયા રાજાઓનો ભંડારો/ ગોડાઉનમાં કેટલો જથ્‍થો ગેરકાયદેસર સંગ્રહ કરેલ છે તે ચેક કરવાની તસ્‍દી નાગરીક પુરવઠા વિભાગનું વહીવટી તંત્ર લેતુ નથી. તેલીયા રાજાઓ તેલનો ભાવ ઓછો હોય ત્‍યારે સંગ્રહ કરીને ભાવો ઉચકાઇ ત્‍યારે બજારમાં વેચતા હોય છે તેમ છતાં તંત્ર નિદ્રાધિન રહે છે. તેમ વિપક્ષનો આક્ષેપ છે.

રાજયના અન્‍ન અને નાગરીક પુરવઠા નિગમમાં ૨૦૨૧માં ૬૦૬ અને ૨૦૨૨માં ૬૦૧ માનવબળની આઉટસોર્સીંગથી ભરતી કરવામાં આવેલ. જ્‍યારે નિગમના મંજૂર થયેલ ૧૪૩૧ના મહેકમ સામે વર્ષ ૨૦૨૧માં ૫૦૩ અને ૨૦૨૨માં ૪૫૯નું માનવબળ જ છે. આમ, અન્‍ન નાગરીક પુરવઠા વિભાગમાં ૬૬ ટકા જેટલી જગ્‍યાઓ ખાલી છે.

(4:06 pm IST)