Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અબડાસા તાલુકા ખાતે રૂ. ૬૬૬ લાખના ખર્ચે સુથરી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ઓગસ્‍ટ-૨૦૨૩ સુધી કાર્યરત થશેઃ કુંવરજીભાઈ બાવળીયા

છેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું એ જ અમારો નિર્ધારઃ પાણી પુરવઠા મંત્રી : આ યોજના થકી અબડાસા તાલુકાના ૪ ગામો અને ૪ પરાઓને નર્મદાના નીર થકી શુદ્ધ પીવાનું પાણી અપાશે

રાજકોટ,તા.૧૩: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્‍યું છે કે, રાજયમાં વસતા છેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી ઘર આંગણે જ પૂરું પાડવાના મક્કમ નિર્ધાર સાથે રાજય સરકાર સતત આયોજન કરી રહી છે. કચ્‍છ જિલ્લો કે જયાં ભૂતકાળમાં પીવાના પાણીની સતત સમસ્‍યાઓ પડતી હતી ત્‍યાં આજે નર્મદાના નીર રાજય સરકારે પૂરા પાડ્‍યા છે. અબડાસા તાલુકામાં રૂપિયા ૬૬૬ લાખના ખર્ચે સુથરી જૂથ પાણી પુરવઠા યોજનાનાᅠ સુધારણાના કામો હાથ ધરાયા છે જે આગામી ઓગસ્‍ટ-૨૦૨૩માં પૂર્ણ કરાશે જેના થકી અબડાસા તાલુકાના ૪ ગામોને અને ૪ પરાઓનેᅠ શુદ્ધ પીવાનું પાણી મળતું થશે.ᅠ

વિધાનસભા ખાતે સુથરી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના પ્રશ્નના પ્રત્‍યુતરમાં મંત્રીશ્રી બાવળીયા એ કહ્યું કે, ભૂતકાળમાં કચ્‍છ જિલ્લામાં પાણીની સમસ્‍યાના કારણે માલધારીઓ,પશુપાલકોને હિજરત કરવી પડતી હતી.પરંતુ તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત આયોજનના પરિણામે નર્મદા યોજના પૂર્ણ થતાᅠ નર્મદા ડેમથી કેનાલ મારફત નર્મદાના નીર ૬૫૦ કિ.મી. દૂર અબડાસા સુધી પહોંચતા થયા છે. રાજયના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પણ આ વર્ષના અંદાજપત્રમાં પીવાના પાણીને પ્રાધાન્‍ય આપીને રૂપિયા ૬૦૦૦ કરોડની માતબર જોગવાઈ કરી છે જેમાં બલ્‍ક પાઇપલાઇન સાથે વિવિધ જૂથ પાણી પુરવઠા યોજના સુધારણાના કામો હાથ ધરાશે.

સુથરી જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં આઠ ઘટકો અંતર્ગત વોટર હેડ વર્કસ, પંપ, સબ હેડવર્કસ સંપ, ઈલેક્‍ટ્રીક મશીનરી, પી.વી.સી. પાઇપ લાઇન અને જી.આઇ પાઇપલાઇન, વોટર વર્કસની કમ્‍પાઉન્‍ડવોલ તથા જોડતા રસ્‍તાઓના કામો હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

(4:10 pm IST)