Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુરતમાં ૪રપ કરોડના ખર્ચે નાના માણસોની મોટી હોસ્‍પીટલ કિરણ હોસ્‍પીટલ-ર નિર્માણ થશે

મોટા વરાછા વિસ્‍તારમાં ૧૩ હજાર ચો.વાર જમીન ફાળવી : દશેરાએ ખાતમુહુર્ત

 

રાજકોટ, તા., ૧૩: હિરાનગરીના હિરા ઉદ્યોગકારો સુરતમાં ૪રપ કરોડના ખર્ચે વિશાળ હોસ્‍પીટલ કિરણ હોસ્‍પીટલ-ર નું નિર્માણ કાર્ય થશે.

 કિરણ હોસ્‍પિટલ બનાવ્‍યા પછી શહેરના હીરા ઉદ્યોગકારો રૂ. ૪૨૫ કરોડના ખર્ચે બીજી વિશાળ હોસ્‍પિટલ ઉભી કરશે. પાલિકાએ આ માટે મોટાવરાછામાં ૮૦ કરોડ રૂપિયાનું બજારમૂલ્‍ય ધરાવતી જમીન ફાળવ્‍યા પછી શનિવારે શહેરના ડાયમંડ એસોસિએશનના આરોગ્‍ય ટ્રસ્‍ટે આ જાહેરાત કરી હતી. આ હોસ્‍પિટલનું નામ પણ કિરણ હોસ્‍પિટલ-૨ રાખીને તેના માટે ‘નાના માણસોની મોટી હોસ્‍પિટલ' સ્‍લોગન વહેતુ કર્યું હતું.

સુરત ડાયમંડ એસોસિએશનનું આરોગ્‍ય ટ્રસ્‍ટ વરાછા રોડ ઉપર ડાયમંડ હોસ્‍પિટલ સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે. અનેક સામાન્‍ય પરિવારના દર્દીઓ તેનો લાભ મેળવી પણ રહ્યાં છે. ડાયમંડ એસોસિએશને મોટાવરાછા વિસ્‍તારમાં કિરણ હોસ્‍પિટલ-૨ નામનો વિશાળ હોસ્‍પિટલનો પ્રોજેક્‍ટ સાકાર કરવા માટે જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિએશનના આરોગ્‍ય ટ્રસ્‍ટના પ્રમુખ સી.પી.વાનાણી, ઉપપ્રમુખ કેશુભાઇ ગોટી અને મહામંત્રી દિનેશભાઇ નાવડીયાએ કિરણ હોસ્‍પિટલ-૨ અંગે માહિતી આપતા જણાવ્‍યું હતું કે પાટીદાર સમાજની હોસ્‍પિટલમાં મુખ્‍યદાતા રહી ચૂકેલા ડાયમંડ ઉદ્યોગ અગ્રણી કિરણ જેમ્‍સના વલ્લભભાઇ એસ. પટેલ દ્વારા જ આ સૂચિત કિરણ હોસ્‍પિટલ-૨ ના નામકરણ માટે રૂ.૨૫ કરોડનું માતબર દાનની જાહેરાત કરવામાં આવી છે.આગામી દશેરા પર્વે આ હોસ્‍પિટલનું ખાતમૂહૂર્ત  અને એ પછી ત્રણ વર્ષમાં હોસ્‍પિટલને ધમધમતી કરી દેવામાં આવશે અને એ પછી તબક્કાવાર ૧૦૦ બેઠકો ધરાવતી મેડીકલ કોલેજ ઉભી કરવાનું આયોજન છે.

 

 

 

 

(5:08 pm IST)