Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે નેશનલ ડિફેન્સ કોલેજના તાલીમી અધિકારીઓની શુભેચ્છા મુલાકાત

ગુજરાતની વિશિષ્ટ વિકાસ યોજનાઓ અને પ્રગતિ વિશે વિસ્તૃત વિચાર વિમર્શ

રાજકોટ તા.૧૩

નેશનલ ડિફેન્સ કોલેજ-રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલય, નવી દિલ્હીના ૧૭ તાલીમી અધિકારીઓએ આજે ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ૧૭ અધિકારીઓમાં ભારતીય સેના અને ભારતીય સિવિલ સર્વિસીસના વરિષ્ઠ અધિકારીઓ તથા મિત્ર દેશોના પ્રતિનિધિઓ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમની સાથે ગુજરાતની વિશિષ્ટ વિકાસ યોજનાઓ અને તેની પ્રગતિ અંગે વિસ્તૃત સંવાદ કર્યો હતો.

નેશનલ ડિફેન્સ કોલેજ રાષ્ટ્રીય સલામતી અને નીતિ નિર્ધારણના અભ્યાસ માટે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે. ભારતના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ અને ૨૭ મિત્ર દેશોના વરિષ્ઠ અધિકારીઓના બૌદ્ધિક વિકાસ અને વ્યૂહાત્મક સંવર્ધન માટે નેશનલ ડિફેન્સ કોલેજમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ થાય છે.

રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલયના તાલીમાર્થી અધિકારીઓ આર્થિક સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ અર્થે અલગ-અલગ સાત જૂથમાં સાત રાજ્યોની મુલાકાતે છે. ૧૭ અધિકારીઓનું એક જૂથ આર્થિક અને સામાજિક વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ અર્થે આજથી ૧૭મી માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે છે. આજે આ અધિકારીઓએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રાજ્યની વિકાસ યોજનાઓ અને ગુજરાતની પ્રગતિ વિશે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો.

(4:58 pm IST)