Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજ્યમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો લાવવા છેલ્લા એક વર્ષમાં વેટ દર ૧૫ ટકાથી ઘટાડીને ૫ ટકા દર નક્કી કરાયો: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

રાજ્યમાં હાલ પેટ્રોલ ઉપર મૂલ્ય વર્ધિત વેરાનો દર ૧૩.૭ ટકા અને ૪ ટકા સેસ જ્યારે ડીઝલ ઉપર મૂલ્ય વર્ધિત વેરાનો દર ૧૪.૯ ટકા અને ૪ ટકા સેસ લાગુ

રાજકોટ તા.૧૩

રાજ્યના નાગરિકોએ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજીનો ભાવ વધારે ન ચૂકવવો પડે તે માટે આ વર્ષના બજેટમાં વેરાના દરમાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી, તેમ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

વિધાનસભા ગૃહ ખાતે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજીના દરમાં રાહત અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા નાણામંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન વેટ કાયદા હેઠળ પેટ્રોલ અને ડીઝલના વેટ દરમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત હાઉસહોલ્ડ ડોમેસ્ટિક કન્ઝ્યુમર માટેના પીએનજીમાં અને રીટેલ કન્ઝ્યુમરના વ્હીકલ માટે ફ્યુલ તરીકે વપરાતા સીએનજીના વેટ દરને ૧૫ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોને રાહત આપવા માટે વેટ દરમાં ૧૦ ટકા જેટલો ધરખમ ઘટાડો કરાયો છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ અંગે વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં હાલ પેટ્રોલ ઉપર મૂલ્ય વર્ધિત વેરાનો દર ૧૩.૭ ટકા અને ૪ ટકા સેસ લાગુ છે. જ્યારે ડીઝલ ઉપર મૂલ્ય વર્ધિત વેરાનો દર ૧૪.૯ ટકા અને ૪ ટકા સેસ લાગુ કરવામાં આવેલો છે.

(5:02 pm IST)