Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

એનઆરઆઇ માતા કલોલ ખાતે દાદા સાથે રહેતા પોતાના બાળકોને 7 વર્ષ બાદ મળવા આવતા બાળકોએ અને દાદાએ મળવાનો ઇન્‍કાર કર્યો

પતિના મૃત્‍યુ બાદ યુએસથી આવેલી માતાએ બાળકોની કસ્‍ટડી માટે કોર્ટના દ્વારા ખખડાવ્‍યા

અમદાવાદઃ ક્યારેક ક્યારેક કમાણીની લાલચમાં મા બાપ એ ભૂલી જાય છે કે એમના પણ બાળકો છે. હાલમાં ગુજરાતમાં વિદેશ જવા માટે લોકો કંઈપણ કરવા માટે તૈયાર હોય છે. ઘણા પરિવારો બાળકોને અહીં મૂકીને ગેરકાયદે વિદેશમાં વસી જાય છે અને બાળકોને અહીં સંબંધીઓને ભરોસે મૂકી દેતા હોય છે. ત્યાંથી તમે ગમે તેટલા રૂપિયા મોકલાવો અને મા-બાપ એ મા-બાપ છે એમનો પ્રેમ ક્યારેય કોઈ પણ સંબંધી આપી શકતો નથી. તે ગમે તેટલો નજીક હોય. આ પ્રકારના કેસોની હવે નવાઈ રહી નથી. ગુજરાતમાં ઘણા એવા બાળકો છે જેમના મા બાપ વિદેશમાં રહે છે અને બાળકો અહીં છે. જેઓ લાંબા સમયે બાળકોને જોવા માટે આવે છે કારણ કે એમની પાસે એમને ત્યાં લઈ જવાનો વિકલ્પ હોતો નથી. આ જ પ્રકારના ઘણા કિસ્સાઓ છે. હમણાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, એમાં વિગતો કંઈક અલગ છે. એક NRI માતા બાળકોને લેવા માટે યુએસથી આવી છે પણ બાળકો મળવા પણ તૈયાર નહોતા થયા, બાળકોની કસ્ટડી મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. માબાપની જેમ સાચવનાર દાદા પોતાના દીકરાના સંતાનોને આપવા તૈયાર ન હોવાથી તેઓએ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આખરે  માતા સાથે મુલાકાત કરાવવાનો HC નો આદેશ હોવાથી  કોર્ટના આદેશથી કલોલ કાનૂની સહાય સેવા સમિતિમાં માતા બાળકોને મળશે.

બાળકોએ માતાને મળવાનો ઈન્કાર કર્યો 
આ મામલે માતા પિતા અને બાળકોની ઓળખ છૂપાવવામાં આવી છે પણ આ કેસની વિગતો એવી છે કે, એક ૩૭ વર્ષીય NRI પોતાના જોડિયાં બાળકોને પોતાની સાથે અમેરિકા લઈ જવા માટે ભારત આવી હતી. બાળકોના સ્થળાંતરની તેની કાયદેસર કસ્ટડી રાખવાની શરતે મહિલા આવી હતી. પરંતુ ૧૪ વર્ષના બાળકોએ માતાને મળવાનો પણ ઈનકાર કરી દીધો હતો. આ મામલો એટલો બધો ગૂચવાયેલો હતો કે ગુજરાત હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવો પડયો છે. અને માતા તથા બાળકો વચ્ચે મુલાકાતનો આદેશ આપ્યો હતો. બાળકોની કસ્ટડી માટે મહિલા સાથે કાનૂની લડાઈ લડી રહેલાં બાળકોનાં દાદાએ સંમતિ આપી હતી. બાળકો સાથેની મુલાકાત ઉત્તર ગુજરાતના કલોલમાં કાયદાકીય સહાય સેવા સમિતિના કાર્યાલયમાં યોજાશે, જ્યાં પરિવાર રહે છે. મહિલા બાળકોની કસ્ટડી માટે મક્કમ છે પણ સામે દાદા પણ પોતાના દીકરાના સંતાનોને વિદેશ મોકલવા માટે રાજી નથી. જેઓ વિદેશ છોડીને બાળકોના ભવિષ્ય માટે ગુજરાત આવી ગયા હતા. 

મહિલાએ સસરાને કોર્ટમાં પડકારી
મહિલાના વકીલના જણાવ્યા મુજબ, મહિલાના પતિનું હાર્ટ અટેકથી મૃત્યુ થયાના બે વર્ષ પછી મહિલા ૨૦૧૪માં સ્ટુડન્ટ વિઝા પર યુએસ ગઈ હતી. એ સમયે બાળકોની ઉંમર છ વર્ષની હતી. એ સમયે મહિલાના સસરા યુએસમાં રહેતા હતા. પરંતુ પોતાના દીકરાના અવસાન બાદ તેઓ ભારત પરત ફર્યા હતા અને જોડિયા બાળકોની સંભાળ રાખી રહ્યા હતા. મહિલા કે જે હાલ હ્યુસ્ટનમાં રહે છે તેણે દાદાને કસ્ટડી આપવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જે બાદ આ કેસ પ્રકાશમાં આવ્યો છે. એ 2022માં પતિ સાથે રિટર્ન આવી બાકોની કસ્ટડી માગી હતી .હવે આવતીકાલે એક મા બાળકોને મળવાની છે એ બાદ આ કેસમાં વધુ ન્યાયિક પ્રક્રિયા ચાલશે. 

મહિલાએ ભારતીય મૂળના યુએસ નાગરિક સાથે લગ્ન કર્યા હતા અને બાળકોના સ્થળાંતરની પ્રક્રિયા શરુ કરી હતી. જેના માટે તેને બાળકોની કાયદેસરની કસ્ટડીનું પ્રમાણપત્ર રજૂ કરવાની જરુર હતી. જોકે, બાળકોની સાર સંભાળ રાખનારા દાદા આ મામલે મક્કમ હોવાથી આ મામલો કોર્ટે ચડ્યો છે. મહિલા વિદેશ ગઈ ત્યારે બાળકો 7 વર્ષના હતા. તેઓ 7 વર્ષથી એમની માને મળ્યા નથી અને  દાદા સાથે અહીં રહ્યાં છે. આ મામલે મહિલાએ કોર્ટનો રસ્તો અપનાવતાં હવે આ કેસમાં ન્યાયિક  પ્રક્રિયા શરૂ થઈ છે.

(6:03 pm IST)