Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સાળંગપુર ખાતે હનુમાન જયંતિ નિમિતે પંચધાતુમાંથી બનેલ 54 ફુટ ઉંચી હનુમાનજીની ભવ્‍ય મૂર્તિનું ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્‍તે અનાવરણ

ધાર્મિક કાર્યક્રમો ઉજવાશેઃ 55 કરોડના ખર્ચે બનેલ હાઇટેક ભોજનાલયનું લોકાર્પણ કરાશે

સાળંગપુરઃ સાળંગપુર મંદિરમાં ભક્તો 6 એપ્રિલની રાહ જોઈને બેસ્યા છે. આ દિવસ ભક્તો માટે ખાસ છે. કારણ કે, સાળંગપુર ધામના આંગણે આગામી તા. 6 એપ્રિલના રોજ જાજરમાન ધાર્મિક કાર્યક્રમ ઉજવાશે. પંચધાતુમાંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજી મૂર્તિને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લી મૂકાશે. સાથે જ અંદાજે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયેલ હાઈટેક ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

આગામી 6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. ત્યારે આ દિવસે પંચધાતુ માંથી બનેલ 54 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની ભવ્ય મૂર્તિનું અનાવરણ કરાશે. સાથે જ સાળંગપુરમાં ભક્તો માટે બનાવાયેલ હાઈટેક ભોજનાલયને પણ ખુલ્લુ મૂકાશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. હાલ મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ છે. તેનું ફીનિશિંગ કામ ચાલી રહ્યું છે. જે જલ્દી પૂર્ણ થઈ જશે. 

ભક્તોને મળશે ભોજનાલય
સાળંગપુરમાં ભગવાન હનુમાનની મૂર્તિની સાથે હાઈટેક ભોજનાલય બનાવવામાં આવ્યું છે. જેમાં એકસાથે 4000 લોકો બેસીને ડાઈનિંગ ટેબલ પર જમી શકશે. આ માટે કિચન પણ ભવ્ય બનાવાયું છે. 6 એપ્રિલના રોજ યોજાનારા ભવ્ય પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેશે. 

તાજેતરમાં કરાઈ હતી જાહેરાત
તાજેતરમાં જ રંગોના તહેવાર એવા ધુળેટી પર્વે બોટાદના સાળંગપુર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે મંગળા આરતી, શણગાર આરતી બાદ દાદાને ધરાવેલા 10 પ્રકારના 25 હજાર કિલો ઓર્ગેનિક કલર દ્વારા ભવ્ય ધૂળેટીની ઉજવણી કરી હતી. જ્યારે આગામી હનુમાન જયંતીના અવસરે દાદાની પંચધાતુની ભવ્ય પ્રતિમા દર્શનાર્થે વિશેષ મહાનુભવોની ઉપસ્થિતિમાં ખુલ્લી મુકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

(5:50 pm IST)