Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ખેડા જીલ્લામાં આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દંપતિને લગ્ન સહાય યોજના અંતર્ગત ૧ લાખ રૂપિયા મળ્યા

નવદંપતિઍ સમાજને સામાજીક સમાનતાનું ઉદાહરણ પુરૂ પાડ્યુ

નડિયાદઃ ખેડા જિલ્લાના ઍક દંપતિને લગ્ન સહાય યોજના અંતર્ગત ૧ લાખ રૂપિયા અપાયા છે.
સમાજમાં પ્રવર્તિત જાતિગત ભેદભાવના દૂષણને ડામવા સરકાર વતી નવીનતમ પહેલ કરવામાં આવી છે. લોકોમાં સકારાત્મક અભિગમ કેળવાય અને જાતિવાદની સાંકળ તોડી સમાજમાં અસ્પૃશ્યતા નિવારણની વાત આગળ વધે અને જાતિવાદ દુર થાય તે હેતુસર આંતરજ્ઞાતીય લગ્ન યોજનાની સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર તરફથી આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના દ્વારા રૂ.2.50 લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગની ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજનાના લાભ થકી ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના રહેવાસી મિતેશ કાંતિભાઈ મકવાણાએ નડિયાદના વૈષ્ણવીબેન નયનકુમાર બારોટ જોડે સુખેથી પ્રભુતામાં પગલાં પાડયા છે. હાલમાં વટવા, અમદાવાદ ખાતે નોકરી કરતા મિતેશ મકવાણાએ નડિયાદમાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા વૈષ્ણવી બારોટ જોડે 24 ઓક્ટોમ્બર 2020ના રોજ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા.
તેઓના લગ્ન બાદ મિતેશ ભાઈને તેમના મિત્ર વર્તુળ તરફથી ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજનાના લાભ વિશે જાણ થઇ હતી. ત્યારબાદ મિતેશ ભાઈએ નડિયાદ સરદાર ભવનમાં સમાજ કલ્યાણ વિભાગ અને અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારીઓની મદદથી આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી અને જરૂરી પ્રમાણ પત્રો સાથે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું.
ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાના ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં રૂ.1,00,000/- ની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.1,50,000/- રકમ ઘરવપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. 2,50,000/-ની સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ તથા લગ્નની નોંધણી કરાવી લગ્ન બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરી શકાય છે. આ ઉપરાંત આંતરજ્ઞાતિય લગ્ન કરનાર વ્યક્તિ જો પરપ્રાંતની હોય તો તેના મા-બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોય તે જરૂરી છે. ઉપરાંત અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોય તો તે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિંન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપી આ યોજનાનો લાભ લઈ શકે છે. વધુમાં વિધુર કે વિધવા જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુન:લગ્ન કરે તો પણ આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર રહે છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈ આવક મર્યાદા નથી.
ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાનો લાભ લેવા માટે અરજદારે લગ્ન સમયે અરજદાર પરણિત હોય તો છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ, લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોય તો મરણનો દાખલો, લગ્ન સમયે યુવક/યુવતી પરણિત હોય તો યુવક/યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ, લગ્ન સમયે યુવક/યુવતી વિધુર/વિધવા હોય તો મરણનો દાખલો, આધારકાર્ડ, જાતિનું પ્રમાણ પત્ર, શાળા છોડયાનો દાખલો, યુવક/યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર, યુવક/યુવતીનો શાળા છોડયાનો દાખલો, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક), લગ્ન નોંધણી નુ પ્રમાણ પત્ર, બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું), એકરારનામું, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજુ કરવામાં આવતું ફોર્મ રજૂ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ) આપવાના રહે છે.
મિતેશભાઈ અનુસુચિત જાતિ સમાજના છે અને વૈષ્ણવીબેન સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમાજથી આવે છે. તેઓને લગ્ન માટે વર્ષ 2021માં આંતરજ્ઞાતીય લગ્ન યોજના થકી સરકાર તરફથી રૂ. 1 લાખની સહાય મળી છે. જેમાં પ્રથમ તબક્કામાં રૂ.૫૦,૦૦૦ અને ત્યારબાદ બીજા તબક્કામાં રૂ. ૫૦,૦૦૦ એમ કુલ રકમ 1 લાખ રૂપિયા મળવાપાત્ર થઇ છે.
મિતેશભાઇ જણાવે છે કે, શિક્ષિત લોકોમાં જાગૃતતા આવવાથી હવે કોઈપણ ડર કે શરમ રાખ્યા વગર યુવક-યુવતી આંતરજ્ઞાતીય લગ્ન કરવાનું પગલું ભરે છે. આજના યુવાનો જ્ઞાતિવાદની સરહદને પાર કરી સમાજના નીતિ નિયમોમાં ફેરબદલ કરીને જાતિવાદની સાંકળને તોડી આગળ વધવા પ્રેરિત થાય છે
મિતેશભાઇ અને વૈષ્ણવીબેન જણાવે છે કે, સરકાર તફરથી રૂ. 1 લાખની સહાય તેમણે બચત તરીકે સરકારી પોસ્ટ વિભાગમાં એફ.ડી તરીકે જમા કરાવેલ છે. વધુમાં તેઓ જણાવે છે કે સરકાર તરફથી ચલાવવામાં આવતી આ યોજના દ્વારા સમાજમાં સામાજિક સમાનતા પ્રત્યે લોકોમાં જાગૃતતા આવશે અને આર્થિક રીતે સહાય મળવાથી લોકોમાં આંતરજ્ઞાતીય લગ્ન કરવા માટે આત્મવિશ્વાસ કેળવાશે.
વૈષ્ણવીબેન જણાવે છે કે,ે આ યોજના દ્વારા મળતી આર્થિક સહાય થકી દિકરીના લગ્નના ખર્ચ માટે સતત ચિંતિત રહેતા માતા-પિતાને પણ એક સહારો મળે છે. આ પ્રકારની આર્થિક સહાય દિકરો-દિકરી એક સમાનની લાગણી પણ દ્રઢ કરાવે છે. પોતાના જીવનમાં આ નવા પડાવમાં પુણ્ય પગલાં માંડવા માટે આત્મવિશ્વાસ અને આર્થિક સહાય આપવા બદલ મિતેશભાઇ અને વૈષ્ણવી બેને ગુજરાત સરકારનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો.

(5:51 pm IST)