Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અમરેલીના ચલાલા ગામે સર્વજ્ઞાતિય લગ્નમાં બે આખલાઓએ ઘુસી જઇ મચાવ્‍યો આતંકઃ જાનૈયાઓમાં નાસભાગઃ વીડિયો વાયરલ

બંને આખલાઓ યુદ્ધે ચડતા લોકોએ પાણીનો મારો ચલાવી છુટા પાડયા

અમરેલી: રાજ્યમાં રખડતા પશુઓના ત્રાસ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે અમરેલીમાં સમુહ લગ્નમાં આખલાઓએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ચલાલામાં સર્વજ્ઞાતિય લગ્નમાં બે આખલાઓ બાખડતાં જાનૈયાઓમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, અહીં રીતસર લોકો ભાગવા લાગ્યા હતા. લગ્નના માંડવામાં આખલા યુદ્ધનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના વિશે જણાવીએ તો, અમરેલીના ચાલાલા ખાતેના એક સમુહ લગ્નમાં બે આખલા આવી ચઢ્યા હતા. બંને વચ્ચેનું યુદ્ધ જોવા એક સમયે જાનૈયાઓ અને મહેમાનો પણ હાજર હતા. પરંતુ એક સમય એવો આવ્યો કે બન્ને આખલાઓ વચ્ચેનું યુદ્ધ ઇગ્ર બની ગયું હતું. સતત પરેશાનીઓ વચ્ચે આખરે લોકોએ પાણી નાખીને બન્ને આખલાઓને છૂટા પાડ્યા હતા અને ત્યાંથી ભગાડવામાં સફળતા મેળવી હતી. સમારોહ થોડા સમય માટે અટકી ગયો હતો.

આખલાઓનું યુદ્ધ અડધો કલાક ચાલ્યું
અમરેલીના ચાલાલા ખાતેના સમુહ લગ્નમાં 2 આખલા આવી પહોંચ્યા હતા. સમુહ લગ્નના મંડપ નીચે જ બંને આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં આખલાનું યુદ્ધ જામતા અફરાતફરી મચી ગઈ હતી. લગભગ અડધા કલાક સુધી આ આખલાઓ અહીં યુદ્ધ ચાલુ રાખતા આયોજકોનો પણ જીવ અધ્ધર થઈ ગયો હતો. 

(5:52 pm IST)