Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુરતની લાજપોર જેલના ૨૮ કેદીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બોર્ડની પરિક્ષા આપશે

પહેલાની ભુલને સુધારીને સારા વ્યક્તિ તરીકે બહાર આવવા પ્રયાસ

સુરતઃ સુરતની લાજપોર જેલમા ૨૭ કેદીઓ કાલથી શરૂ થતી બોર્ડની પરિક્ષા આપશે.
આવતી કાલે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે જેલવાસ ભોગવતા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપવાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ વખતે લાજપોર જેલના 27 જેટલા કેદીઓ બોર્ડની પરિક્ષા આપવા જઈ રહ્યા છે. ત્યારે અગાઉ કરેલી ભૂલોને સુધારી એક સારા વ્યક્તિ બનવાનો કેદીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને બોર્ડની પરીક્ષા આપવા માટે તનતોડ મહેનત શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ જેલ પ્રશાસન દ્વારા પણ કેદીઓ સારા માર્ગે વડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
ગુનો આચાર્ય બાદ જેલવાસ ભોગવતા કેદીઓને કેટલીક વાર પસ્તાવા સાથે ભવિષ્યમાં ફરીવાર એક મોકો મળે અને કંઈક સારું કરી શકે તેવી આશા રહેતી હોય છે. ત્યારે આજ પ્રકારે સુરતની હાઈટેક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાં પણ સામાન્યથી લઈ ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓ કાચા અને પાકા કામના કેદી તરીકે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. પરંતુ પોતે કરેલી ભૂલોનો કેટલાક કેદીઓને અફસોસ પણ રહેતો હોય છે અને પોતાની ભૂલને સુધારી એક સારા નાગરિક બનવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. ત્યારે આવા જ કેટલાક કેદીઓ એક નવી શરૂઆત કરવાની આશા સાથે આવતીકાલ એટલે કે, 14 માર્ચથી યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીઓ સુરતની લાજપોર જેલમાં કરી રહ્યા છે.
લાજપોર જેલના 27 જેટલા કેદી વિદ્યાર્થીઓ છે. જે બોર્ડની પરીક્ષા આપવાના છે. ત્યારે આ કેદીઓનો જેલ પ્રશાસન તરફથી પણ ઉત્થાન, તેમને વ્યવસાયિક તાલીમ સહિત શિક્ષણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી 14 માર્ચથી શરૂ થતી ધોરણ 10ની પરીક્ષામાં 14 અને 12 બોર્ડની પરીક્ષામાં 13 મળી લાજપોર જેલમાં સજા ભોગવતા કુલ 27 કેદી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અને તેઓ પરીક્ષા આપી શકે તે માટે જેલ દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓની જેમ આ 27 કેદી વિદ્યાર્થીઓએ પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપી સો ટકા પરિણામ લાવવા મક્કમ મનોબળ સાથે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે.

(5:53 pm IST)