Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હંમેશા ચર્ચામાં રહેતા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્‍ય મધુ શ્રીવાસ્‍તવે ભાજપ વિરૂદ્ધ ઝેર ઓક્‍યુઃ મારી ટિકીટ નક્કી જ હતી પણ સંસદ સભ્‍યએ ટિકીટ કાપી

આગામી લોકસભાની ચૂંટણીમાં હું વિરોધ કરીશઃ મધુ શ્રીવાસ્‍તવ

વડોદરા: 2024ની લોકસભાની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અનેક નેતાઓ અત્યારથી જ નિવેદનો આપીને ચર્ચામાં રહેવા માંડ્યા છે. ત્યારે હંમેશાં ચર્ચામાં રહેતા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યું છે. 

પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વિધાનસભાની ટિકીટ મુદ્દે ધમકી ઉચ્ચારી છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું, વિધાનસભા ચૂંટણીમાં ઉપરથી મારી ટિકિટ નક્કી જ હતી પણ સંસદસભ્યએ મારી ટિકિટ કાપી. વિધાનસભાની ટિકિટ કાપનારોઓ વિરુદ્ધ મધુ શ્રીવાસ્તવ લાલચોળ થયા છે અને તેમણે વડોદરા સાંસદ પર પોતાની ટિકિટ કાપવાનો આક્ષેપ કર્યો છે. તેમના આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ વિરોધ કરશે. મધુ શ્રીવાસ્તવના નિવેદનને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

તમને જણાવી દઈએ કે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું, કારણે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી હતી. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું નામ પણ હતું. ત્યારે ફરી એકવાર મધુ શ્રીવાસ્તવ ચર્ચામાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં ઉપરથી મારી ટિકિટ નક્કી જ હતી, પણ સંસદ સભ્યએ મારી ટિકિટ કાપી હતી. જેથી 2024ની લોકસભાની ચૂંટણીમાં હું વિરોધ કરીશ તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

શું છે સમગ્ર મામલો ? 
પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાઘોડીયાથી છેલ્લા 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા. અને બાહુબલી નેતાની છાપ ઉભી કરી હતી. પરંતુ આ વખતે તેમના સ્થાને અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી હતી તે સમયે પણ મધુ શ્રીવાસ્તવ લાલઘૂમ બન્યા હતા. આ દરમિયાન આજે હવે મધુ શ્રીવાસ્તવે વડોદરા સાંસદે તેમની ટિકિટ કાપી હોવાનો આરોપ લગાવ્યો છે. 

(5:56 pm IST)