Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુરતમાં વેપારીને સ્‍પા ચલાવતી મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડયુઃ વેપારીને બંધક બનાવી મહિલા અને તેના સાગરિતો દ્વારા 25 લાખથી વધુની ધાડને અંજામ

એકલા રહેતા વેપારીનો ફાયદો ઉઠાવી દુષ્‍કર્મની ધમકી આપી લુંટી લેવાનો પ્‍લાન બનાવ્‍યો

સુરત: અમરોલીમાં વેપારીને બંધક બનાવી સોના ચાંદી સહિત રૂપિયા 25 લાખથી વધુની ધાડ કરનાર ટોળકીને પોલીસે પકડી પાડી છે. આરોપીઓએ ફરિયાદીને ફોન કરી બોલાવી પોતાના જ ઘરમાં 24 કલાક સુધી બંધક બનાવી ફરિયાદીના વેસુના ઘરની ચાવી લઈ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનામાં પોલીસે ચાર સગીર સહિત મહિલા મુખ્ય આરોપી સાથે તેના સાગીરકોની પોલીસે ધરપકડ કરી છે. 

સુરત શહેરના વેસુ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીને સ્પા ચલાવતી મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું છે. વેપારીને બંધક બનાવી મહિલાએ તેના સાગરિકો સાથે મળી 25 લાખથી વધુની ધાડને અંજામ આપ્યો છે. વેપારી મહિલાના ઘરે તેમજ પોતાના ઘર લાવતો હતો અને તે દરમિયાન મહિલાએ વેપારી એકલો રહેતો હોવાનો પણ ફાયદો ઉઠાવી તેના બે સગીર વયની પુત્રી સાથે મળી વેપારીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. 

ગત રોજ અમરોલીમાં શ્રી ગણેશ રેસીડેન્સી માં રહેતી અમનદીપ કૌરએ વેપારીને ફોન કરી ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ મહિલા અને તેની સગીર વયની દીકરી સહિત તેના અજાણા ઈસમોએ માર મારી રૂમમાં ગોંધી વેસુ ખાતેના ઘરની ચાવી પડાવી લીધી હતી. આરોપી મહિલા કાર અને વેપારીની જ મોપેડ ગાડી લઈ વેપારીના વેસુ ખાતેના મકાનમાં ગયા હતા. ત્યાં કપાટમાં રાખેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા 25.43 લાખની ધાડ કરી હતી.

એટલુંજ  નહીં આરોપીઓએ વેપારી પાસેથી ચાર ચેકમાં રૂપિયા 5-5 લાખ ની રકમ લખાવી સહી કરાવી હતી અને આ નાણાં કોરોના કાળમાં ઉછીના લીધેલા હતા તેવું લખાણ કરાવવા માટે વકીલને ઓફિસે પણ ગયા હતા. પરંતુ વકીલ ના મળતા નરેશને છોડી મૂક્યો હતો. આ ટોળકીએ વેપારી નરેશને સમગ્ર બનાવ અંગે કોઈને કે તો પોલીસમાં જાણ કરી તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. ટોળકીના ચુંદાલમાંથી છૂટ્યા બાદ વેપારીએ સમગ્ર હકીકત તેના મિત્રને જણાવી હતી.

અમરોલી પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરી હતી.અમરોલી પોલીસે ઘટનાની ગંભીરતા લઈ મહિલા સહિત તેના સગીર વયના પુત્રી અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ ગુનામાં અમરોલી પોલીસે મુખ્ય આરોપી મહિલા અમનદીપ કૌર તેની સગીર વયની બે પુત્રી સહિત આરોપી દિનેશ,નીરજની ધરપકડ કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

(5:56 pm IST)