Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ગાંધીનગર શહેર નજીક હોટલમાં મિત્ર સાથે જમવા ગયેલા યુવાનને બે શખ્સોએ ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા રણાસણ રીંગ રોડ ઉપર આવેલી હોટલમાં મિત્ર સાથે જમવા ગયેલા બાપુનગરના યુવાનને વગર વાકે બે શખ્સોએ ધોકાથી માર માર્યોની ઘટના પ્રકાશમાં આવી છે. જેથી મામલે ડભોડા પોલીસે યુવાનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

 અમદાવાદના બાપુનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં રહેતા અને સમાજસેવાનું કામ કરતા યુવાન વીકી પ્રવીણભાઈ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી હતી કેગઈકાલે રાત્રિના સમયે તે તેના મિત્ર તરુણભાઈ સાથે રણાસણ રીંગ રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સમાં ધાબા ઉપર જમવા માટે ગયા હતાજ્યાં તેમના ટેબલથી થોડું દૂર બીજા વ્યક્તિઓ પણ જમી રહ્યા હતા. જે પૈકી એક વ્યક્તિએ વીકી પાસે આવીને કહ્યું હતું કે ગાળો કેમ બોલો છો. જેથી વીકીએ ફોન ઉપર વાત કરતો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ જમીને તેઓ નજીકના પાન પાર્લર ઉપર ગયા હતા તે સમયે બે વ્યક્તિઓ તેની પાસે આવી હતી અને ગાળો કેમ બોલતા હતા તેમ કહી વીકી સાથે તકરાર શરૃ કરી હતી. જેથી વિકીએ ગાળો બોલવાની ના પાડતા એક શખ્સ તેની કારમાંથી ધોકો લઈ આવ્યો હતો અને ધોકા વડે પગ ઉપર હુમલો કર્યો હતો. જેના પગલે વિકીએ તુરંત પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી અને માર મારનાર પરેશ ધરમશીભાઈ દેસાઈ તેમજ પરેશ ઈશ્વરભાઈ રબારી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(6:18 pm IST)