Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજ્યની શહેરી વિકાયાત્રાને વધુ વેગવાન બનાવવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની જોગવાઈઓ શહેરમાં વસતા નાગરિકોની લાઇફસ્ટાઇલને લવેબલ અને લીવેબલ બનાવશે : મંત્રી ઋષિકેશ પટેલ:સ્માર્ટ સીટી મિશન હેઠળ દેશના ૧૦૦ સ્માર્ટ શહેરોમાં ગુજરાતના ૬ શહેરનો સ્માર્ટ વિકાસ થયો: અમદાવાદ મેટ્રોનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં પૂરો કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ: સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રાયોરિટી રિચનું કામ પણ ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં અને સમગ્ર પ્રોજેકટ માર્ચ-૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે

અમદાવાદ :ગુજરાતના નગરો અને મહાનગરો આજે શહેરી વિકાસના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે, તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની શહેરી વિકાયાત્રાને વધુ વેગવાન બનાવવાનો અને નગરો-મહાનગરોનો સુગ્રથિત વિકાસ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. શહેરી વિસ્તારના લોકોનું જીવનધોરણ સુધારવા અને માળખાકીય સુવિધાઓ સાથે નવી સેવાઓનો વ્યાપ વધારવા માટે બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂ. ૧૬,૧૭૧ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.

વિધાનસભા ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતના શહેરી વિસ્તારમાં વસતા નાગરિકોની આર્થિક ઉન્નતિ માટે રાજ્ય સરકારે શહેરોમાં માળખાકીય સુવિધાઓ, પાયાની જરૂરિયાતોને હરહંમેશ શ્રેષ્ઠત્તમ બનાવવાની દિશામાં કાર્ય કર્યુ છે.
મંત્રી પટેલે ભારતને મળેલી જી-૨૦ની અધ્યક્ષતા અંગે વાત કરતા કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૩માં જી-૨૦ બેઠકની યજમાની ભારતને મળી અને એમાં પણ ગુજરાતના ભાગે ૧૫ જેટલા ચેપ્ટર આવ્યા છે. તાજેતરમાં જ ગુજરાતે વિશ્વના દેશોને શહેરી વિકાસ માટેના દિશાનિર્દેશ કરતી મહત્વની બેઠક U-20ની યજમાની કરી. જેમાં વિશ્વના મહત્વના ૨૦ દેશોના શહેરી વિકાસ માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના અમલીકરણમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્ર સ્થાને છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૬માં એકત્રિત કરેલા આવાસની અંદાજીત માંગ મુજબ ૭.૬૪ લાખ આવાસોના લક્ષ્યાંક સામે અત્યારસુધીમાં ૮.૬૧ લાખ જેટલા આવાસો મંજૂર કરાયા છે. જે પૈકી ૭.૪૬ લાખ જેટલા આવાસોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષના બજેટમાં રાજ્યના ૧ લાખ જેટલા લોકોને આવાસ પૂરા પાડવાના લક્ષ્યાંક માટે રૂ. ૧૦૬૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૦ વર્ષને ઉજવવા વર્ષ ૨૦૦૯થી અમલમાં મૂકાયેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંગે વાત કરતા મંત્રી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના શહેરી વિસ્તારોની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવતી આ મહત્વપૂર્ણ યોજના માટે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂ. ૮૦૮૬ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં પાણી પુરવઠાના કામ, ભૂગર્ભ ગટરના કામ, રસ્તા, ટ્રાફીક વ્યવસ્થા અને ફ્લાય ઓવરબ્રીજ જેવા આંતરમાળખાકીય વિકાસના કામ, ગાર્ડન, ટાઉનહોલ, તળાવના વિકાસ જેવા આગવી ઓળખના કામ તેમજ વોટર સપ્લાય જેવા વિવિધ કામો આ યોજના અંતર્ગત કરવામાં આવે છે.
તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં આ યોજના હેઠળ આંતરમાળખાકીય વિકાસના કામો માટે મહાનગરપાલિકાઓમાં રૂ.૧૯૧૭ કરોડ અને નગરપાલિકાઓમાં રૂ.૧૮૯.૫૦ કરોડની ગ્રાન્ટ ચૂકવવામાં આવી છે. નગરપાલિકાઓ માટે પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂ.૧૫૨૦ કરોડના કુલ ૧૬૮ કામો મંજૂર કરાયા છે. આ ઉપરાંત નગરપાલિકાઓ માટે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પણ રૂ.૫૬૩૬ કરોડના કુલ ૧૮૫ કામો મંજૂર કરવામાં આવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના અસરકારક અમલવારીના પરિણામે રાજ્યના શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતો વધુ સુદ્રઢ બનશે.
“અમૃત અને અમૃત ૨.૦ યોજનાના પરિણામે આજે રાજ્યમાં સ્વચ્છતા સાથે સુંદરતામાં વધારો થતો જોવા મળ્યો છે” તેમ કહેતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારની અમૃત યોજના હેઠળ શહેરોમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ, તળાવોના વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટેની કામગીરી કરવામાં આવે છે. અમૃત મિશન હેઠળ રાજ્યમાં આવા જ આંતરમાળખાકીય વિકાસ માટેના મંજૂર કરેલા ૪૬૭ કામોમાંથી રૂ. ૪૩૦૨ કરોડના ૩૮૮ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના કામો સત્વરે પૂર્ણ કરવા આ વર્ષના બજેટમાં રૂ. ૧૪૫૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીએ વધુમાં કેન્દ્ર સરકારના સ્માર્ટ સીટી મિશન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, શહેરી નાગરિકોને ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરતા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દેશના ૧૦૦ સ્માર્ટ શહેરોમાં ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ એમ કુલ ૬ શહેરની પસંદગી કરવામાં આવી છે. આ શહેરોના વિકાસકાર્યો માટે કેન્દ્ર સરકારે રૂ. ૨૫૦૦ કરોડ અને રાજ્ય સરકારે રૂ. ૧૬૦૦ કરોડ એમ કુલ રૂ. ૪૧૦૦ કરોડ જેટલી રકમની ફાળવણી કરીને સ્માર્ટ સીટી બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ વર્ષના બજેટમાં પણ રાજ્ય સરકારે રૂ. ૫૪૭ કરોડની જોગવાઇ કરીને સ્માર્ટ શહેરોની મહત્વની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કટિબધ્ધતા દાખવી છે.
ગુજરાતના શહેરોમાં ઉપલબ્ધ પરિવહન સેવાઓ અંગે વાત કરતા શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતની પરિવહન સેવાઓમાં થઇ રહેલો અવિરત વિકાસ રાજ્યના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બની રહ્યો છે. એસ.ટી.બસ અને બી.આર.ટી.એસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા ઉપરાંત હવે મેટ્રો રેલનો સેવામાં વધારો થયો છે. અમદાવાદ મેટ્રોના પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ મેટ્રો રૂટને હાલમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મેટ્રોનો સમગ્ર પ્રોજેકટ ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં પૂરો કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રાયોરિટી રિચનું કામ પણ ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં પૂર્ણ થશે, જ્યારે સમગ્ર પ્રોજેકટ માર્ચ-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું સરકારનું આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ મેટ્રો રેલનું કામ સત્વરે પૂર્ણ કરવા આ વર્ષના બજેટમાં પ્રોજેક્ટ માટે રૂ. ૯૭૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટાના પરિણામે ગુજરાતમાં આકાર પામેલુ ગિફ્ટ સીટી ભારતનું પ્રથમ અને એક માત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું કેન્દ્ર છે. ગિફ્ટ સીટી ખાતે કાર્યરત વિવિધ કંપનીઓ દ્વારા નવેમ્બર-૨૦૨૨ સુધીમાં અંદાજે રૂ. ૬000 કરોડના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા છે, જે અગાઉના વર્ષ કરતા બમણા છે. તાજેતરમાં જ ગિફ્ટ સીટી ખાતે એરક્રાફ્ટ લીઝીંગ અને ફાઇનાન્સીંગ, શીપ લીઝિંગ અને ફાઇનાન્સીંગ, ગ્લોબલ ટ્રેઝરી જેવી નવી બિઝનેસ ગતિવિધિઓને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ ગિફ્ટ સીટી IFSC એક્સચેન્જ ખાતે ૫૦ બિલિયન યુ.એસ. ડૉલરથી પણ વધારેના બોન્ડનું લિસ્ટીંગ થયું છે.
મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગિફ્ટ સીટી ખાતે એક વિશિષ્ટ પ્રકારનું ફિન-ટેક હબ સ્થાપવામાં આવશે. આ હબનો મુખ્ય ઉદ્દેશ ફિન-ટેક્સને સંશોધાનની ગુણવત્તામાં સુધારો કરવાનો, ફિનટેક સ્ટાર્ટ અપ તથા ઇન્ક્યુબેશનને પ્રોત્સાહિત કરવા, ટેકનોલોજીમાં પુરાવા આધારિત સંસોધન, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંશોધનકારોને પ્રોત્સાહિત કરવાનો છે. આ વ્યવસ્થાઓ પૂર્ણ કરવા માટે જ આ વર્ષના બજેટમાં રૂ. ૭૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ પદભાર સંભાળ્યાની સાથે જ આરંભેલું સ્વચ્છ ભારત અભિયાન આજે જન આંદોલન બન્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પણ સ્વચ્છતાને પ્રાથમિકતા આપી છે. એટલે જ આ વર્ષના બજેટમાં સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના માટે રૂ. ૨૬૨ કરોડની જોગવાઇ કરી છે, તેમ મંત્રી પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન-અર્બન ૨.૦ હેઠળ રાજ્યમાં શહેરી વિસ્તારોમાં ઘનકચરા વ્યવસ્થાપન, સેનીટેશન, વ્યક્તિગત શૌચાલય, જાહેર શૌચાલય માટેનું પંચવર્ષીય આયોજન કર્યુ છે.
મંત્રીએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ રાષ્ટ્રપતિના વરદહસ્તે આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકાને ઇન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “સ્પેશિયલ મેન્શન” શહેરનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાને પણ ૪૦ લાખથી વધુવસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ભારતનાં સૌથી સ્વચ્છ શહેરનો પ્રથમ પુરસ્કાર મળ્યો હતો.
રાજ્ય સરકારે શહેરોના ટકાઉ, સર્વાગીણ અને બહુઆયામી વિકાસ માટે મહાનગરપાલિકાઓમાં આઇકોનિક બ્રીજ બનાવવા માટે કુલ રૂ. ૪૦૦ કરોડના આયોજન સામે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ તેમજ દીનદયાળ અંત્યોદય યોજના- નેશનલ લાઇવીહુડ મિશન હેઠળ રૂ. 88 કરોડ, મહાનગરપાલિકાઓમાં લોકોને હરવા ફરવા માટે રમણીય સ્થળોનું નિર્માણ કરવા માટે નેચર પાર્કનું નિર્માણ કરવા રૂ. ૮૦ કરોડ, અગ્નિશમન વાહનો પૂરા પાડવા અને મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે રૂ. ૬૬ કરોડ, રાજ્યની મહાનગરપાલિકાઓમાં સિવિક સેન્ટરો ઉભા કરવા માટે રૂ. 33 કરોડ ની જોગવાઇ કરી છે

 

(7:16 pm IST)