Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વહીવટમાં પારદર્શિતા, ઝડપ અને સરળીકરણ લાવવા સામાન્ય વહીવટ વિભાગ કાર્યરત : મંત્રી ઋષિકેશ પટેલ

ગુડ ગવર્નન્સ બાદ હવે ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સના ધ્યેયને સિધ્ધ કરવાની દિશામાં ગુજરાત સરકારે ડગ માંડ્યા છે:વહીવટી કાર્યપધ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ શરૂ કરાઈ :તાલુકા સ્તરે વિકાસલક્ષી કામગીરીઓના સુદ્રઢ વ્યવસ્થાપન થકી ગ્રામ્ય નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા અસરકારક સાબિત થશે

અમદાવાદ :મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રાના પાયામાં સુશાસન રહેલું છે. વહીવટમાં પારદર્શિતા, ઝડપ અને સરળીકરણ લાવવા સામાન્ય વહીવટ વિભાગ કાર્યરત છે. કર્મયોગીઓને તાલીમબદ્ધ કરી લોકાભિમુખ વહીવટ માટે તૈયાર કરવા અને પ્રોએક્ટિવ ગવર્નમેન્ટની વિભાવનાને સાકાર કરવી તે સામાન્ય વહીવટ વિભાગનો ધ્યેય છે. ગુડ ગવર્નન્સ બાદ હવે ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સના ધ્યેયને સિધ્ધ કરવાની દિશામાં ગુજરાત સરકારે ડગ માંડ્યા છે. નાગરિકલક્ષી સેવાઓ ઓનલાઇન અને આંગળીના ટેરવે ઉપલબ્ઘ બને તે માટે ઘણી સેવાઓને સરકારે ઓનલાઇન કરી છે. ઇ-ગવર્નન્સના ઉપયોગથી પ્રશાસનમાં ટોચથી લઇને પાયાના સ્તર સુધી પારદર્શિતા લાવવા અને સરળીકરણ કરવા રાજ્ય સરકાર હંમેશાથી કાર્યરત છે.

સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ની  ચર્ચાનો મુખ્યમંત્રી શ્રી વતી જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, કર્મયોગીઓને તાલીમબધ્ધ કરી લોકાભિમુખ વહીવટ અને પ્રોએક્ટિવ ગવર્નન્સના અભિગમ સાથે સરકાર કામ કરી રહી છે. રાજ્યની વહીવટી કાર્યપધ્ધતિમાં ઇ-ગવર્નન્સના ભાગરૂપે વહીવટી વિભાગોથી શરૂ કરીને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી ઇ-સરકાર એપ શરૂ કરવામાં આવી છે. ઇ-ગવર્નન્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ એચ.આર.નું આયોજન કરાયું છે.
મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, નાગરિકો અને સરકાર વચ્ચે સેતુરૂપ બનીને જરૂરિયાતમંદોને ઘરઆંગણે જ યોજનાકીય લાભો ઉપલબ્ધ કરાવતો મહત્વનો કાર્યક્રમ સેવા સેતુ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત રાશનકાર્ડ, આધારકાર્ડ, વિધવા સહાય , વૃધ્ધ નિરાધાર સહાય,સાતબાર / આછ-અ ના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડની અરજી , સુકન્યા સમૃધ્ધિ જેવી વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવે છે.  તે ઉપરાંત રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી.અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસ કામો માટે રૂ. ૧૩૧૦ કરોડના રકમની આ વર્ષના બજેટમાં જોગવાઇ કરી છે.
મંત્રીએ આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, રાજય સરકારે પાયાના સ્‍તરે વિકેન્દ્રિત આયોજનને વધુ મજબૂત બનાવવા “તાલુકા સરકાર”નો નવો અભિગમ અપનાવ્યો છે. “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો” યોજના વર્ષ ૨૦૧૧-૧૨થી અમલમાં મુકવામાં આવી છે. આ યોજના દ્વારા રાજય સરકાર ગ્રામ્ય કક્ષાએ પાયાની સુવિધાઓ જેવી કે ગ્રામ્ય આંતરિક રસ્‍તાઓ, ગટર વ્યવસ્‍થા, ઘન કચરાના નિકાલ માટેની યોજના, પીવાના પાણીની યોજના જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કેબીનેટ સબ કમિટીની ભલામણોના આધારે વર્ષ ૨૦૧૮માં જે શાળામાં ભારત સરકારની જલમતી યોજના હેઠળ R.O. પ્લાન્ટ આપવામાં આવેલ હોય તે સિવાયની સરકારી/ મહાનગરપાલિકા/ નગરપાલિકા/ ગ્રાન્ટ ઈન-એઈડ પ્રાથમિક શાળાઓમાં શાળા દીઠ આર.ઓ. પ્લાન્ટના કામો, જાહેર કૂવાની પ્રોટેકશન વોલ અને જરૂર હોય ત્યાં પ્રોટેકશન નેટના કામો, સ્મશાન ગૃહના અને તેની કમ્પાઉન્ડ વોલ (ફેન્સીંગ સિવાય) ના કામો, ગામના જાહેર રસ્તાઓ પર એલ.ઈ.ડી. લાઈટના કામો, સરકારી પ્રાથમિક શાળામાં સવારની પ્રાર્થના, સમૂહ કવાયત જેવી પ્રવૃતિઓના સ્થળે સાદા શેડના કામો, ગામમાં ગ્રામ પંચાયત, જાહેર રસ્તા અને જાહેર સ્થળોએ પેવર બ્લોકના કામોનો સમાવેશ કરીને આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ યોજનાનું અમલીકરણ તાલુકા કક્ષાએથી હાથ ધરવાનું રહે છે.
મંત્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં સામાન્ય વહીવટ વિભાગ માટે કરેલી નાણાકીય માંગણીઓ તાલુકા સ્તરે વિકાસલક્ષી કામગીરીઓના સુદ્રઢ વ્યવસ્થાપન કરીને ગ્રામ્ય નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા અસરકારક સાબિત થશે

 

(7:18 pm IST)