Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપલા જૂની સિવિલ ખાતેનાં મોતિયો કેમ્પનો ૧૪૦ દર્દીઓ એ લીધો લાભ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ તેમજ ૧૦૦ દિવસના લક્ષ્યાંક અન્વયે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આંખના મોતિયો તપાસ કેમ્પ યોજાયો હતો. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કમ પોલીક્લિનીક રાજપીપલા(જૂની સિવિલ) ખાતે યોજાયેલા કેમ્પમાં અંદાજિત ૧૪૦ કરતાં વધુ દર્દીઓએ લાભ લઈ આંખોની તપાસ કરાવી હતી.

જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહે તેવા હેતુ સાથે વિવિધ કેમ્પ-કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ તા.૧૩મી માર્ચે જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા કેમ્પમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે નોંધાયેલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો. તમામ તાલુકાના દર્દીઓને રાજપીપલા સુધી લાવવા-લઈ જવા માટેની સુવિધા પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવી હતી. કેમ્પ દરમિયાન નિષ્ણાંત તબીબોએ સેવા પૂરી પાડી હતી.
 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢકે કેમ્પ સંદર્ભે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં આંખોમાં મોતિયા બિંદ ધરાવતા વડીલોની આંખોનું સ્ક્રિનિંગ, જેમની આંખોમાં મોતિયો બિંદ જણાય તેમના પ્રિ-ઓપરેટિવ ફિટનેશની તપાસ સાથે ડાયાબિટીશ, સુગર, બ્લડ પ્રેસરની માપણી કરાઈ હતી. ખાસ કરીને બંને આંખોમાં મોતિયો બિંદ ધરાવતા વડીલ દર્દીઓના તા.31મી માર્ચ સુધીમાં મોતિયોના ઓપરેશન કરવામાં આવશે.
વધુમાં આરોગ્ય અધિકારી એ ઉમેર્યું કે, નર્મદા જિલ્લાને અંધાપા મુક્ત જાહેર કરવાની દિશામાં શરૂ કરાયેલું આ અભિયાન સતત ચાલતું રહેશે. જેમને આંખમાં મોતિયો છે, આંખમાં ઓછું દેખાય છે અને આ કેમ્પનો લાભ નથી લઈ શક્યા તેઓ પણ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત  પોલીક્લિનીક ખાતે સંપર્ક કરી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ પણ કરી હતી.
આંખના મોતિયો તપાસ કેમ્પની સાથોસાથ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં લાભાર્થીઓને વિનામૂલ્યે PMJAY કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

 

(11:13 pm IST)