Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

લાખોના ખર્ચે મકાન લેનારા સાવધાન :વડોદરામાં ઘર બન્યા બાદ માત્ર 9 વર્ષમાં જ સ્લેબ તૂટી પડ્યો

બાળક બેડરૂમમાં હતુ અને પત્ની કિચનમાં કામ કરતાં હતા ત્યાં જ લિવિંગરૂમનો સ્લેપ તૂટી પડ્યો: વાસના ભાયલી રોડ પર આવેલા શ્રી રાધે શ્યામ એપાર્મેન્ટનો બનાવ

વડોદરામાં એક ઘરમાં સ્લેબ તૂટી પડ્યો અને એ માત્ર 9 વર્ષના સમયગાળામાં જ સ્લેબ તૂટી પડ્યો હતો, સદનસીબે કોઇ જાન હાનીના સમાચાર નથી. પરંતુ જો ઘરમાં રહેતા કોઇ સભ્યોને જાનહાની થઇ હોત તો તેના માટે જવાબદાર કોણ હોત તે સૌથી મોટો સવાલ છે.

  વિગત મુજબ શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલા શ્રી રાધે શ્યામ એપાર્મેન્ટમાં એક ફ્લેટમાં અચાનક સ્લેપ તૂટી પડ્યો હતો. અહી 9 વર્ષથી રહેતા વિનોદભાઇ પટેલ બપોરના સમયે ઓફીસ હતા જ્યારે નાનુ બાળક બેડ રૂમમાં રમતુ હતુ અને તેમના પત્ની કિચનમાં કામ કરી રહ્યા હતા ત્યારે લીવીંગરૂમનો સ્લેપ તૂટી પડ્યો હતો. સ્લેપ તૂટીને નીચે પડતા વિનોદભાઇના પત્ની દોડી આવ્યા હતા અને તાત્કાલિક તેમના પતિને જાણ કરી હતી. વિનોદભાઇ ઘરે દોડી આવ્યા હતા અને બિલ્ડરને ફોન કર્યો હતો.

ઘર માલિક વિનોદભાઇ પટેલે જણાવ્યુ હતુ કે ઘટનાની જાણ થતા હુ ઓફીસથી દોડી આવ્યો હતો અને આવીને જોયુ તો સ્લેપ તૂટી પડ્યો હતો તરત બિલ્ડરને ફોન કર્યો હતો. પરંતુ હજુ સુધી કોઇ જવાબ મળ્યો નથી. જો નવ વર્ષમાં જ આ હાલ હોય તો પછી શું વિચારવુ. સદનસીબે મારા પત્ની અને પુત્ર અન્ય જગ્યાએ હતા. બાકી જો કોઇ ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? બિલ્ડરે આ બાબતે જવાબ આપવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાખો કરોડો રૂપિયા વસૂલીને કહેવાતા આલીશાન ફલેટ કે પછી ઘર આપે છે. પરંતુ ગણ્યા ગાંઠા વર્ષોમાં જો આ રીતે સ્લેપ નીચે પડી જાય તો સવાલ થાય કે આટલી હલકી ગુણવત્તાના ઘર બનાવીને માત્ર લાખો રૂપિયા પડાવી લે છે. આ ઘટના પરથી બિલ્ડર અને મકાન લેનાર તમામે વિચારવા જેવુ છે.

(12:44 am IST)