Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુરતના વેસુમાં સ્પા સંચાલિકાએ વેપારીને ફસાવ્યો:ઘરે બોલાવી બંધક બનાવી રૂ, 25.43 લાખ લૂંટી લીધા : ટોળકીની ધરપકડ

મહિલાએ કાપડના શો રૂમમાં પુતળા મુકવામાં આવતા પુતળાનું વેચાણ કરતા વેપારીની સાથે મિત્રતા કરીને પછી પોતાનું પોત પ્રકાશ્યું:મહિલા અને તેની સગીર વયની બંને પુત્રીઓ સહિતની ટોળકીની ધરપકડ :એક વોન્ટેડ જાહેર

સુરતના વેસુમાં સ્પા ચલાવતી મહિલાએ કાપડના શો રૂમમાં પુતળા મુકવામાં આવતા પુતળાનું વેચાણ કરતા વેપારીની સાથે મિત્રતા કરીને પછી પોતાનું પોત પ્રકાશ્યું હતું. મહિલાએ વેપારીને અમરોલી ખાતે પોતાના ઘરે બોલાવીને મળતિયાઓ સાથે મળીને માર મારીને ગોંધી રાખ્યો હતો. જયારે મહિલાની બે પુત્રીઓએ વેપારીના ઘરની ચાવી લઈને તેના ઘરે જઈને રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના તેમજ મોબાઈલફોન મળીને કુલ રૂ.25.43 લાખ જેટલી મત્તાની ચોરી કરી લઈ ગયા હોવા અંગેની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાઈ હતી.પોલીસે મહિલા અને તેની સગીર વયની બંને પુત્રીઓ સહિતની ટોળકીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વેસુ કેનાલ રોડ પર આવેલા સુર્યા ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ માંગીલાલ ભણશાળી (ઉ.વ.47)કપડાના શોરૂમમાં મુકવામાં આવતા પુતળા વેચાણનું કામકાજ કરે છે. દરમિયાન થોડા સમય અગાઉ તેના એક મિત્ર હસ્તક વેસુમાં સ્પા ચલાવતી મહિલા અમનદીપ ઉર્ફે પૂજા ઉર્ફે કોમલ સિકંદર સિંહ સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં નરેશ અને મહિલા એક બીજા સાથે વાતો કરતા હતા. અને એકબીજાને મળતા પણ હતા. અમનદીપની બે પુત્રીઓ મહેક ઉર્ફે પ્રાચી અને અનમોલ પણ નરેશ ભણશાળીને પપ્પા કહીને બોલાવતી હતી. નરેશ અને અમનદીપ તેમજ તેની બે પુત્રીઓ હોટલમાં પણ સાથે જ જમવા માટે જતા હતા.

બે દિવસ અગાઉ મહેક ઉર્ફે પ્રાચીએ નરેશ ભણશાળીને ફોન કરીને એમ કહ્યું હતું કે, મારી તબિયત સારી નથી તમે ઘરે આવી જાઓ જેથી નરેશ અમરોલી ગણેશ રેસીડેન્સી ખાતે અમનદીપના ઘરે ગયો હતો. જ્યાં મહેક ઉર્ફે પ્રાચી તેના બેડરૂમમાં સુતી હતી. તે સમયે બે અજાણ્યા યુવાનો રૂમમાં આવ્યા હતા. અને નરેશને પાછળથી પકડીને માર માર્યો હતો. જેને કારણે નરેશને દેખાતું પણ બંધ થઇ ગયું થઇ હતું. તે પછી અમનદીપે બળજબરીથી નરેશના ઘરની ચાવી લઈ લીધી હતી અને આખી રાત નરેશ ભણશાળીને ગોંધી રાખ્યો હતો. અને બીજા દિવસે તેને મુક્ત કર્યો હતો. જેમ તેમ નરેશ ભણશાળી તેના ઘરે ગયો ત્યારે ઘરનો તમામ સામાન વેરવિખેર પડેલો જોયો હતો. અને સીસીટીવી કેમેરા ચેક કરતા અમનદીપકોરની બંને પુત્રીઓ મહેક ઉર્ફે પ્રાચી અને અનમોલ બેગ ભરીને લઈ જતી કેમેરામાં દેખાતી હતી.

ઘરમાં તપાસ કરતા સોના ચાંદીના દાગીના,એક મોબાઈલ ફોન અને રોકડ ૨કમ મળીને કુલ રૂ.25.43લાખ જેટલી મત્તાની ચોરી થઇ હોવાનું જણાયું હતું. નરેશ ભણશાળીએ પોતાના વકીલનીસલાહ લીધા બાદ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમનદીપ કોર ઉર્ફે પૂજા ઉર્ફે કોમલ સિંહ અને તેની બંને પુત્રીઓ મહેક ઉર્ફે પ્રાચી અને અનમોલ, દિનેશ અને નીરજ નામના વ્યક્તિઓ સહિત પાંચની ઘરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.

(12:45 am IST)