Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભરૂચના શેરપુરા વિસ્તારમાંથી અસલી સોનાના બિસ્કીટ બતાવી નકલી સોનાના બિસ્કીટ પધરાવતી ગેંગ ઝડપાઈ

કચ્છથી સોનાના બિસ્કીટ વેચવા આવેલ ચાર શખ્શોને ઝડપ્યા : રૂ.11.40 લાખના અસલી બિસ્કિટ અને 8 ફોન સહીત 16.59 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ SOGની ટીમે ભરૂચ શહેરના શેરપુરા વિસ્તારમાં કચ્છથી સોનાના બિસ્કીટ વેચવા આવેલ 4 શખ્સોને રૂ.16.59 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ જીલ્લામાં સોનું ગીરવી મૂકી છેતરપીંડી બાદ જીલ્લામાં અસલી સોનાના બિસ્કિટ બતાવી છેતરપીંડી કરતી ગેંગ સક્રિય થાય તે પહેલા જ ભરૂચ એસઓજીએ ઝડપી પાડી હતી. ભરૂચ એસઓજીનો સ્ટાફ ભરૂચ શહેર વિસ્તારમાં એસ.ઓ.જી.ચાર્ટરની કામગીરીના પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ સ્વીફટ ગાડીમાં ચાર ઈસમો સોનાના બિસ્કીટ વેચવા માટે શેરપુરા વિસ્તારમાં ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે એસ.ઓ.જીએ શેરપુરા બાયપાસ ઝમઝમ સોસાયટી પાસે વોચ ગોઠવ્યો હતો. બાતમી વાળી સ્વીફટ કાર નંબર-જી.જે.12 એફ.સી. 0515 આવતા પોલીસે તેને અટકાવી તેમાં રહેલ ચાર ઈસમોની તપાસ કરતા તેમાંથી બે ઈસમો પાસેથી 2 નકલી અને 2 અસલી સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા.

SOGએ ચારેય ઈસમોની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે કચ્છના ભચાઉના બટીયા વિસ્તારમાં રહેતો ઈબ્રાહીમ શાહ જુસલ શાહ શેખ, રઝાક અલાના સોઢા, અનવરખાન આમદખાન પઠાણ અને હસન આમધ સમાને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. નકલી અને અસલી સોનું મળી કુલ રૂ.16.59 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. ભેજાબાજ ટોળકી ઓછા ભાવે સોનાના બિસ્કીટનો વિડીયો અને ફોટો બતાવી છેતરપીંડી કરતા હોવાનું જાણવા મળ્યું છે

(12:54 am IST)