Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

માત્ર શંકાના આધારે વાહન કે માલ-સમાન જપ્ત કરવા મુદ્દે કારણ દર્શક નોટિસ આપી શકાય નહિ :હાઈકોર્ટ

ડિવિઝન બેંચે સ્ટેટ ટેક્સ વિભાગ દ્વારા વાહન અને માલ-સમાન જપ્ત કરવા માટે આપેલી કારણ દર્શક નોટિસ રદ કરી

અમદાવાદ : સેન્ટ્રલ ગુડ્સ અને સર્વિસ ટેક્સ એકટ 2017 હેઠળ કબજે કરવામાં આવેલા માલસામાન છોડાવવા મુદ્દે કરાયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટની ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાડી ડિવિઝન બેંચે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે માત્ર શંકાના આધાર પર માલ કે વાહન કબ્જે કરવાની કારણ દર્શક નોટિસ પાઠવી શકાય નહિ.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ડિવિઝન બેંચે નોંધ્યું હતું કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (CGST) એકટ 2017ની કલમ 130 મુજબ માત્ર શંકાના આધાર પર માલ કે વાહન જપ્ત કરવા માટે શો-કોઝ નોટિસ આપી શકાય નહિ. ડિવિઝન બેંચે સ્ટેટ ટેક્સ વિભાગ દ્વારા વાહન અને માલ-સમાન જપ્ત કરવા માટે આપેલી કારણ દર્શક નોટિસ રદ કરતા નોંધ્યું કે જે કારણો રજૂ કરી સ્ટેટ ટેક્સ અધિકારી દ્વારા ડ્રાઇવરને માલ-સમાન અને વહાન જપ્ત કરવાની નોટિસ આપી છે તે ગેરકાયદેસર છે. સત્તાધીશો દ્વારા ડ્રાઇવરને માલ-સામન અને વાહન જપ્ત કરવા માટે આપેલી નોટીસ અગાઉ આવી ઘટનામાં સંડોવાયેલા હોવાના પૂર્વગ્રહને આધારે આપવા આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.

 કોર્ટે નોંધ્યું હતું કે સેન્ટ્રલ ગુડ્સ અને સર્વિસ ટેક્સ એકટ 2017ની કલમ 129નું ઉલ્લંઘન કરનાર વ્યક્તિના વાહન અને માલ-સામાન જપ્ત કરી શકાય છે. અરજદાર પક્ષનો માલ લઈને જતા ડ્રાઇવરે 8 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધીનું ઇ-બિલ રજૂ કર્યું હતું, જોકે સ્ટેટ ટેક્સના અધિકારીની ટીમ દ્વારા વાહનને અટકાવવામાં આવી હતી. (Gujarat High Court)

આ સમગ્ર કેસની વિગત એવી છે કે અરજદાર નકોડા એન્ટરપ્રાઇઝ પાન મસાલાનું વ્યવસાય કરે છે અને આજ ભાગરૂપે તેમને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલી અથરવા એન્ટરપ્રાઇઝને 35 લાખ રૂપિયાનો માલ – સમાન મોકલવાનો ઓર્ડર આપ્યો હતો. જે લઈને વાહન ગુજરાતની સીમામાં પ્રવેશ્યા બાદ સ્ટેટ ટેક્સ વિભાગના અધિકારી દ્વારા તેને અકાવવામાં આવ્યા બાદ કારણ દર્શક નોટિસ પાઠવી હતી.

(6:24 pm IST)