Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

રસેલા ગ્રામપંચાયતની સરકારી વસ્તુનો સરપંચ ખાનગી ઉપયોગ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ DDOને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના રસેલા ગ્રામપંચાયત હસ્તકની સરકારી વસ્તુઓનો ગામના સરપંચ ખાનગી ઉપયોગ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો એ ડીડીઓ અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું .

આવેદનમાં જણાવ્યા મુજબ રસેલા ગ્રામપંચાયત કચેરીમાં રસેલા ગ્રામપંચાયતની માલીકીના ટેબલ તથા તિજોરી કે જે રસેલા ગ્રામપંચાયત કચેરીમાં ઉપયોગમાં આવતી હતી તે તિજોરી તથા ટેબલ રસેલા ગ્રામપંચાયત સરપંચ દલપતભાઇ મંગાભાઇ વસાવા પોતાના ઘરે ઘરવપરાશ માટે લઇ ગયેલ છે. આ બાબતની જાણ અમોએ રસેલા ગ્રામપંચાયતના તલાટી કમ.મંત્રીને ઘણી વખત મૌખીક જાણ કરી હોવા છ્તાં તલાટીએ સરપંચને આ બાબતની કોઇપણ જાણ કરી નથી કે કોઇ પણ લેખીત નોટીસ આપી નથી. તદઉપરાંત રસેલા ગ્રામપંચાયતના માલીકીના લગ્ન તથા અન્ય પ્રસંગો માટે લાવવામાં આવેલ વાસણો જેમાં મોટા તપેલા, જથ્થાબંધ થાળીઓ,ગ્લાસો તથા અન્ય વાસણો સરપંચ દલપત મંગાભાઇ વસાવા પોતાના ઘરે રાખી અને પોતે ફરાસખાનાનો ધંધો કરતો હોય જેથી પંચાયતની માલીકીના વાસણોનું ભાડું પંચાયતમાં જમા ન કરાવતા પોતે વાપરે છે. તથા રસેલા ગ્રામપંચાયત હસ્તકનું પાણીનું ટેંન્કર પણ સરપંચ દલપતભાઇ મંગાભાઇ વસાવા પોતાના ઘર આંગણે રાખી ગેર કાયદેસર ભાડું વસુલે છે. આ તમામ બાબતની જાણ ગ્રામજનોએ ઘણી વાર તલાટીને મૌખીક જાણ કરેલ પરંતુ તલાટી દ્વારા કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા ડીડીઓ અને ટીડીઓ ને રજુઆત કરવામાં આવી છે.

◆ આ બાબતે ગામના સરપંચ દલપતભાઈ એ જણાવ્યું કે પંચાયત નું મકાન જર્જરિત છે તેને રીપેરીંગ કરાવવાનું હોવાથી આ વસ્તુઓ અમારા ઘરે રાખી છે,અને અમે આ કોઈ વસ્તુઓ ભાડે કે અન્ય ઉપયોગમાં આપતા નથી પણ ક્યારેક ગામમાં પ્રસંગ હોય ત્યારે વિનામૂલ્યે અમુક વસ્તુઓ ગ્રામજનો ને આપીએ છીએ.

(10:08 pm IST)