Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

સમગ્ર ગુજરાતમાં કોઈ પણ એજન્સી રોડ-રસ્તાના કામોમાં કંઈપણ ગડબડ કરશે તો સખ્ત કાર્યવાહી કરાશે : પૂર્ણેશ મોદીની લાલઆંખ

ડેડીયાપાડા તાલુકાના રસ્તા તથા નદી પરના બ્રિજમાં ગેરરીતિ થયાની ફરિયાદ ઉઠતા માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીએ રૂબરૂ અધિકારીઓ સાથે રસ્તાની સ્થળ વિઝીટ લઈ મટીરીયલના સેમ્પલ લેવડાવ્યા

નર્મદાના ડેડીયાપાડા તાલુકાના રસ્તા તથા નદી પરના બ્રિજમાં ભારે ગેરરીતિ થઈ હોવાની ફરીયાદ ઉઠી હતી. જેને લઈ માર્ગ મકાન મંત્રી પુર્ણેશ મોદીએ રૂબરૂ અધિકારીઓ સાથે રસ્તાની સ્થળ વિઝીટ લઈ મટીરીયલના સેમ્પલ લેવડાવ્યા હતા. અને સેમ્પલને સરકારની લેબોરેટરીમાં મોકલાવ્યા હતા. તેમજ આ મુદ્દે જો રિપોર્ટ નેગેટિવ આવશે તો એજન્સી પર કાર્યવાહી કરવામાં આવશે તેવું મંત્રીએ પણ નિવેદન આપ્યું હતું. તો વધુમાં પુર્ણેશ મોદીએ કહ્યું હતું કે, માત્ર નર્મદા જિલ્લા જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈ પણ એજન્સી રોડ-રસ્તાના કામોમાં ગડબડ કરશે તો એની સામે શખત કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે નિરામય ગુજરાત યોજનાના લોંન્ચિંગ કાર્યક્રમ દરમિયાન પૂર્ણેશ મોદીએ આ કાર્યવાહી કરી હતી.

નર્મદા જિલ્લાના કનબુડી અંતરિયાળ વિસ્તારના ગામમાં બની રહેલ રોડ બાબતે સંકલન મિટિંગમાં થઈ રહેલા કામમાં વ્યવસ્થિત કામ નથી થતું તેવી ફરિયાદ મળી હતી. આ મિટિંગમાં માર્ગ મકાન વિભાગ મંત્રી પુર્ણેશ મોદી હાજર હતા. મિટિંગમાં જ નિર્ણય કરીને આજે વહેલી કનબુડી ખાતે પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓ પણ વહેલી સવારે જ પહોંચી ગયા હતા. જ્યાં મંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. એજન્સીનું લાયસન્સ રદ કરવા અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ચીમકી પણ આપી હતી. જે રસ્તો બન્યો છે તેના સેમ્પલ પણ લેવામાં આવ્યા અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

(10:48 pm IST)