Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં રેમડેસિવીર ઇન્જેકશન મોકલવાના અહેવાલો પાયાવિહોણાઃ વિજયભાઇ રૂપાણીની સ્પષ્ટતા

અમદાવાદઃ રુપાણી સરકાર 25000 રેમડેસિવીર ઇન્જેકશનનો જથ્થો ઉત્તર પ્રદેશ મોકલવાની છે. આ સમાચાર વહેતા થતાં જ રાજ્ય સરકારે તુરત જ સ્પષ્ટતા કરી કે આ અન્ય રાજ્યોમાં ગુજરાતમાંથી રેમડેસિવીર ઇંજેકેશન મોકલવાના અહેવાલો પાયાવિહોણા છે.

ગુજરાત સરકારે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડીસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કર્યા છે. હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભરતી અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

રેમડેસિવીરની અછત ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ

રાજ્યમાં રેમડીસિવિર ની તંગી ઊભીના થાય અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે. જો કે મીડિયાના અહેવાલ બાદ લોકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા હતા કે કોરોનાના પ્રકોપથી બચવા જરુરી રેમડેસિવીર ઇન્જેક્શન માટે ગુજરાતના લોકો રઝળી રહ્યા છે, કલાકો સુધી લાઇનમાં લાગવા છતાં ઇન્જેકશન મળતું નથી. ત્યાં સરકારનો નિર્ણય કેટલો વાજબી છે?

સુરત-અમદાવાદમાં રેમડેસિવીર માટે લાંબી-લાંબી લાઇનો

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કેસ હરણફાળ ગતીએ વધી રહ્યા છે અને એવામાં રાજ્યમાં જુદા જુદા શહેરોમાં દર્દીઓને ઈંજેક્શન નથી મળી રહ્યા જેના માટે અમદાવાદ અને સુરતમાં લોકોની લાંબી લાંબી લાઇન જોવા મળી રહી છે. ગુજરાતીઓ ઈજેક્શન માટે રઝળી રહ્યા છે. અમદાવાદમાં જ ઝાયડસ હોસ્પિટલની બહાર બંને સાઇડ પર લોકોની લાંબી-લાંબી લાઇનો જોવા મળે છે. દર્દીઓના સગા કલાકો સુધી ઇંજેક્શન માટે ભરતડકામાં ઊભા રહે છે.

સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની રેમડેસિવિરનાં 5000 ઇન્જેક્શનો ભાજપ કાર્યાલયમાંથી જરૂરીયાતવાળાને વહેંચવાની જાહેરાત બાદ વિવાદસર્જાયો હતો. એ બાદ સુરત સ્થિત ભાજપના કાર્યાલય પર લોકોની લાંબી કતારો લાગી અને આ વાતની ભારે ટીકા પણ થઈ હતી. પાટીલના આ પગલાંથી તેમની અને સીએમ રુપાણી વચ્ચે ટક્કરની સ્થિતિ સર્જાઇ હતી.

CM રુપાણીએ કહ્યું- રેમડેસિવીરની પ્રોસેસ 15 દિવસની છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં ફેસબુક લાઇવ દ્વારા તબીબોને અનુરોધ કર્યો હતો કે કારણ વગર રેમડેસિવીર ન લખે. રેમડેસિવીર બનવાની પ્રોસેસ 15 દિવસની છે અને સરકારે ગમે તેમ કરીને રોજનાં 25,000 ઇન્જેક્શન એકઠાં કરે છે.

ગુજરાત સરકારનો નિર્ણય કેટલો વાજબી

આવી પરિસ્થિતિમાં દેશભરમાં રેમડેસિવીરની અછત સર્જાઇ છે. ત્યારે ગુજરાતમાં ઉત્તર પ્રદેશની યોગી સરકાર માટે 25000 ઇંજેક્શનનો મોટો જથ્થો મોકલવાનો નિર્ણય કેટલો વાજબી છે, તેવો લોકો સવાલ કરી રહ્યા છે. હજુ ગઇ કાલે જ ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના નવા 6,690 કેસ નોંધાયા, જ્યારે મૃત્યુઆંક પણ 67 થયો.

(4:49 pm IST)