Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વિવાદ, વીડિયો બાદ સુરક્ષાઃ સરકારે ભરતસિંહ સોલંકીને ગનમેન સાથે ફૂલટાઇમ સુરક્ષા આપી

હવે આગામી સમયમાં ભરતસિંહ સોલંકી સામાજિક સંમેલનો યોજશે

અમદાવાદ, તા.૧૪: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી છેલ્લા થોડા દિવસોથી સતત ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં પારિવારિક કલેશને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. હવે સમાચાર પ્રાપ્ત થયા છે કે ગુજરાત સરકાર તરફથી ભરતસિંહ સોલંકીને ૨૪ કલાક સુરક્ષા આપવામાં આવી છે. વીડિયો વિવાદ બાદ ભરતસિંહે પોતાના પર હુમલો થવાની આશંકા વ્યકત કરી હતી. જે બાદમાં સરકારે તેમને ફૂલ ટાઇમ એક ગનમેન સાથે સુરક્ષા આપી છે. ઉલ્લેખનીય છે કે વીડિયો વિવાદ બાદ ભરતસિંહ સોલંકીએ થોડા સમય માટે સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. હવે આગામી સમયમાં ભરતસિંહ સોલંકી સામાજિક સંમેલનો યોજશે.

ત્રીજી જૂનના રોજ કોંંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી એ મીડિયા સમક્ષ આવીને પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે અનેક ખુલાસા કર્યાં હતા. ભરતસિંહ પ્રેસ કોન્ફરન્સમાં પત્ની રેશ્મા પટેલ વિરુદ્ધ અનેક આક્ષેપ કર્યાં હતા. તેમના કહેવા પ્રમાણે તેમની લગ્નના ૧૫ વર્ષ સુધી તેમણે બાંધી મુઠ્ઠી રાખી હતી. આ પ્રસંગે ભરતસિંહે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પત્નીએ તેમને મારી નાખવા માટે દોરા-ધાગા પણ કર્યાં છે.

ભરતસિંહના કહેવા પ્રમાણે અમિત ચાવડાના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામા બાદ નવા પ્રદેશ પ્રમુખની પસંદગી પહેલા તેમને ટાર્ગેટ કરવાની શરૂઆત થઈ હતી. સાથે જ ભરતસિંહે એવી વાત કરી હતી કે, જો કોઈ સ્વીકારવા તૈયાર હશે તો તેઓ ત્રીજા લગ્ન પણ કરશે. આ સાથે જ ભરતસિંહ રાજકારણમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની જાહેરાત પણ કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું છે કે તેઓ સંગઠન માટે કામ કરતા રહેશે. સાથે જ રાજકારણમાંથી બ્રેક લેવાનો નિર્ણય અંગત હોવાનું ભરતસિંહે જણાવ્યું હતું.

(4:00 pm IST)