Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

આમ આદમી પાર્ટીના નવા સંગઠનથી નારાજ થતા ભરૂચ જિલ્લામાં 50 કાર્યકરોએ રાજીનામા આપ્‍યા

આપના નેતા ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી સામે ભારે આક્રોશઃ સંદિપ પાઠકે હોદ્દેદારો-કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા વગર નિર્ણય કર્યાનો આક્ષેપ

ભરૂચઃ આમ આદમી પાર્ટીના નવા સંગઠનમાં નામો અને હોદ્દાઓ જાહેર કરતા ભરૂચમાં 50 જેટલા કાર્યકરો નારાજ થતા રાજીનામા ધરી દેતા ભડકો થયો હતો.  પ્રભારી સંદિપ પાઠકે કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે વાત કર્યા વિના નિર્ણયો લીધા હોવાની ચર્ચા થઇ રહી છે. ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી સામે ભારે આક્રોશ જોવા મળ્‍યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષો એક્શનમાં આવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત થયા બાદ ભડકો જોવા મળી રહ્યો છે. નવા સંગઠનથી નારાજ અનેક લોકોએ રાજીનામા આપ્યા છે. તાપી જિલ્લા બાદ ભરૂચમાં પણ એક સાથે 50 જેટલા હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધા છે.

જાણવા મળી રહ્યું છે કે, આમ આદમી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત બાદ ભડકો થતા કોંગ્રેસ જેવી હાલત થાય તો નવાઈ નહીં. ગુજરાતમાં આદ આદમી પાર્ટીએ નવા સંગઠનની રચના તો કરી નાંખી છે, પરંતુ જેમનું નામ નવા સંગઠનમાં નથી તેવા નારાજ થઇ અનેક લોકોએ રાજીનામા આપી દીધા છે. તાપી જિલ્લા બાદ ભરૂચમાં એક સાથે 50 જેટલા હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે. જેમાં પ્રભારી સંધિપ પાઠકે કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે વાત કર્યા વિના મનસ્વી નિર્ણયો લીધા હોવાની ચર્ચા થઈ રહી છે.

નવા માળખાથી પાર્ટીમાં ભડકો

તાપી જિલ્લાના હોદ્દેદારો બાદ હવે ભરૂચ આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે. એક સાથે 50 જેટલા હોદ્દેદારોએ રાજીનામાં આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાર્ટીમાં પટેલવાદ ચાલતો હોવાનો કાર્યકરોએ મત વ્યક્ત કર્યો હતો. સંગઠનમાં ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ ખતમ કરી દીધું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. ચૌધરી સમાજના એકમાત્ર આગેવાન ભેમાં ચૌધરીને પણ કદ પ્રમાણે વેતરી નંખાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

બીજી બાજુ અમદાવાદમાં પણ આગામી સમયમાં મોટો ભડકો થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના નેતાઓ જ મોટા હોદ્દા ધરી દીધા છે. જેના કારણે આપના કાર્યકરો નારાજ જણાઈ રહ્યા છે. નવા સંગઠનમાં પણ ગુલાબસિંહનો હાથ ઉપર રહ્યો હોવાની ચર્ચા ચાલી રહ્યો છે. મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલીયાએ ગુલાબસિંહના આશીર્વાદથી પોતાને અણગમતા લોકોને સાઈડલાઇન કર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. જેણા કારણે પાર્ટીમાં ટોચના નેતાઓ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.

ગોપાલ ઈટલીયા અને ઈસુદાન ગઢવી સામે આક્રોશ

એટલું જ નહીં, આપના નેતા ગોપાલ ઈટલીયા અને ઈસુદાન ગઢવી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. માત્ર 2-4 લોકોને દૂર કરવા નવા સંગઠનનો ઢોંગ રચાયો હોવાનો આરોપ મૂકાયો છે. પૂર્વ ઉપપ્રમુખ ભેમાં ચૌધરીએ નવા હોદ્દાથી નારાજ ચાલી રહ્યા છે. પાર્ટીના પ્રદેશ મહામંત્રી CA જયદીપ પંડ્યાને દૂર કરવા રાજરમત રમાઈ ગઈ છે. પાર્ટીના કાર્યાલયમાંથી જયદીપ પંડ્યાની નામની પ્લેટ અને ફોટો હટાવવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારણી સભ્ય જયદીપ પંડ્યાએ પાર્ટીના તમામ ગ્રૂપ લેફ્ટ કર્યા છે. નવા સંગઠન બાદ એક બાદ એક નેતાઓ આમ આદમી પાર્ટીના ગ્રુપમાંથી દૂર થઈ રહ્યા છે.

સુરતનું પ્રભુત્વ વધ્યું

આ સિવાય આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ પ્રવીણ રામ પણ રોષે ભરાયા છે. નવા સંગઠનના નામે માત્ર સુરતના લોકોનો દબદબો વધારવા કારસો ઘડાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. પાર્ટી સાથે ગદ્દારી કરી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોને પણ પાર્ટીએ મોટું પ્રમોશન આપ્યું છે. પ્રદેશ સંગઠનના 107 લોકોમાંથી 33 સુરતના હોવાનું ચર્ચાઈ છે.

(5:16 pm IST)