Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

બોરસદમાં નજીવી બાબતે થયેલ જૂથ અથડામણમાં બને પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ : બોરસદમાં આરસીસી રોડ બનાવવા મુદ્દે ગત શનિવાર રાત્રિના સુમારે થયેલ જૂથ અથડામણમાં બોરસદ શહેર પોલીસ મથકમાં બે અલગ-અલગ ફરીયાદો નોંધાવા પામી છે. જેમાં શહેર પોલીસે ૪૪ વ્યક્તિઓની નામજોગ સાથે બે હજાર જેટલા લઘુમતિ કોમના ટોળાં વિરુધ્ધ ફરીયાદ નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો છે. તો બીજી તરફ અન્ય એક ફરીયાદમાં ૨૦ થી ૨૫ જેટલા શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધાવા પામી છે.

વધુમાં મળતી માહિતી મુજબ બોરસદ શહેરના હનુમાન મંદિરની પાછળ આવેલ એક પ્લોટ ઉપર વાવડી મહોલ્લામાં રહેતા કેટલાક લઘુમતી કોમના રહીશો દ્વારા આરસીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા મંદિરે આવેલ ભક્તોએ તેનો વિરોધ કર્યો હતો. જેને લઈ મામલો ગરમાયો હતો અને શનિવાર રાત્રિના સુમારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલ એક યુવકને કેટલાક શખ્સોએ રોકી ચપ્પા વડે હૂમલો કર્યો હતો. બાદમાં સમગ્ર મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને બંને કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. કેટલાક તોફાની તત્વો દ્વારા આ વિસ્તારમાં આવેલ દુકાનોની તોડફોડ કરવામાં આવતા બોરસદ શહેર પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તોફાની તત્વો બેફામ બનતા આણંદ જિલ્લા ડીએસપી, એલસીબી, એસઓજી સહિત અન્ય પોલીસ મથકના અધિકારીઓ તથા પોલીસકર્મીઓ બોરસદ ખાતે દોડી ગયા હતા.

(5:36 pm IST)