Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ગાંધીનગર જિલ્લામાં વાવેતર સમયે વરસાદએ સાથ આપતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગાંધીનગર:જિલ્લામાં અગાઉ ૧.૬૦થી ૧.૭૦ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવતું હતું તે હવે ૧.૫૦ લાખ હેક્ટરે પણ માંડ માંડ પહોંચે છે. આવી સ્થિતિમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળ વચ્ચે વરસાદની અનિયમીતતા રહે છે જેના કારણે ગાંધીનગર જિલ્લામાં વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.ચોમાસુ શરૃ થાય તે પહેલા તૌક્તે વાવાઝોડાને કારણે ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચારથી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું જેથી ખેડૂતો હરખાયા હતા અને સારા વરસાદની આશાએ ખેતરમાં ભેજનો ઉપયોગ કરીને વાવેતર શરૃ કરી દીધું હતું પરંતુ ત્યાર બાદ ઉનાળા જેવી ગરમી પડી હતી અને છુટા છવાયા બે-ત્રણ વખત ઝાપટાં સિવાય જિલ્લામાં વરસાદ પડયો જ નથી તેમ છતા વગર વરસાદે ગાંધીનગરમાં ૫૦ હજાર હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં જિલ્લાના ખેડૂતો દ્વારા વાવેતર કરી દેવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ વરસાદ નહીં આવતા ખેડૂતો મુંઝાયા હતા અને વાવેતરની સ્પિડ ઘટાડી દીધી હતી.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પણ પડયો નથી તેવી સ્થિતિમાં જિલ્લામાં ૬૦ હજાર હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કરી દીધુ છે ત્યારે હવે વરસાદના અભાવે પાક સામે ખતરો ઉભો થઇ રહ્યો છે જેને કારણે ખેડૂતોની સાથે સાથે સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ હતી. જિલ્લામાં કપાસનું ૨૭ હજાર  હેક્ટરમાં જ્યારે મગફળીનું સાત હજાર હેક્ટર ઉપરાંત શાકભાજીનું સાત હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે. વગર વરસાદે વાવણી કરી દીધા બાદ ખેડૂતોને પાક બચાવવા માટે પિયત આપવાની નોબત આવી હતીએટલુ જ નહીં બે દિવસમાં વરસાદ ન આવેત તો ગાંધીનગરમાંથી પાક બળી જવાના સમાચાર પણ સાંભવવા મળેત પરંતુ પાક બળે તે પહેલા જ સમગ્ર ગાંધીનગર જિલ્લામાં મેઘ મહેર થઇ છે. વરસાદ મન મુકીને વરસ્યો છે. શહેરી કરતા ગ્રામ્યવિસ્તારમાં વરસાદ વધુ પડયો હોવાને કારણે ખેતીને ફાયદો થશે. ગાજવીજ સાથે અણીના સમયે જ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખૂશીની હેલી થઇ છે.

(5:01 pm IST)