Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નારોલ સરખેજ હાઈવે પરના શ્રીનાથ ટ્રાવેલ્સમાંથી ૨૪૮૦ લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે કેબીન બનાવી બાયોડીઝલ વેચાણ કરવાનું રેકેટ બહાર આવ્યું : ટ્રાવેલ્સ માલિક સહિત બે ઝડપાયાઃ બાયોડીઝલના જથ્થા સહીત કુલ રૂ.૧.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદઃ નારોલ – સરખેજ હાઈવે પર શ્રીનાથ ટ્રાવેલ્સના ર્પાકિંગમાં કેબીનની અંદર પંપ બનાવી બાયોડીઝલ વેચાણ કરવાનું રેકેટ બહાર આવ્યું છે. જથ્થાનો સંગ્રહ કરનાર ટ્રાવેલ્સ સંચાલક સહિત બે વ્યકિતઓને શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ગેરદાયદે રીતે સંગ્રહ કરેલ ૨૪૮૦ લીટર બાયોડીઝલનો જથ્થો સહીત કુલ રૂ. ૧.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નારોલ – સરખેજ હાઈવે રોડ પર આવેલ ગુપ્તા ફ્લોર ફેકટરી પાસેના શ્રીનાથ ટ્રાવેલ્સના ર્પાકિંગ સામે પતરા તથા સિમેન્ટની બોર્ડર બનાવી ખુલ્લી જગ્યામાં એક કેબિન બનાવીને ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરવાનો પંપ ઉભો બનાવ્યો હતો. બાયોડીઝલના જથ્થાનો સંગ્રહ કરી મોટા પાયે વેચાણ કરી રહ્યા હતા. માહિતી આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો. ટ્રાવેલ્સના સંચાલક વ્રજકિશોર ઉર્ફે બિરજુ ગુપ્તા અને કરણ શર્માને પોલીસે પકડી પાડ્યા હતા. ૨૪૮૦ લીટર ગેરકાયદે બાયોડીઝલના જથ્થા સહીત કુલ ૧.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતુ કે, વ્રજકિશોર શ્રીનાથ ટ્રાવેલ્સનો સંચાલક હતો અને હાલમાં નેહા ટ્રાવેલ્સના નામથી પોતાની બસો ધરાવી વેપાર ધંધો કરે છે. વધુ નફો મળે તે માટે ટ્રાવેલ્સની લકઝરી બસોમાં ઈંધણ તરીકે ઉપયોગમાં લેવા માટે બહારથી બાયોડીઝલનો જથ્થો લાવી સંગ્રહ કરતો હતો. ટ્રાવેલ્સની લકઝરી બસોમાં ભરવા માટે કેબીન બનાવીને પ્લાસ્ટિકના બેરલ તથા કેરબા રાખી મોટર ફીટીંગ કરી, મીટર વાળો પંપ બનાવ્યો હતો. બાદમાં તેમાંથી લકઝરી બસોમાં ગેરકાયદે બાયોડીઝલ ભરાવી ઈંધણ તરીકે ઉપયોગ કરતો હતો. જ્યારે આરોપી કરણ શર્મા લકઝરી બસોમાં બાયોડીઝલનો જથ્થો ભરવા તથા સંગ્રહ કરવા માટે બનાવેલ કેબીનની જાળવણી કરવા માટે નોકરી પર રાખ્યો હતો. જોકે આમ અમુક પોલીસ કર્મીઓ પણ સંપર્કમાં હોવાની ચર્ચા છે.

(3:30 pm IST)