Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અંબાજીઃ ભાદરવી પુનમનો મહામેળો યોજાશે કે નહીં તેની ભારે અસમંજસતા વચ્‍ચે ભાવિકોનો પ્રવાહ મંદિર તરફઃ પદયાત્રિકોનો ઘસારો યથાવત

મંદિર ટ્રસ્‍ટ દ્વારા વોટરપ્રુફ મંડપ બંધાયાઃ પોલીસ કાફલો તૈનાત

અંબાજી: યાત્રાધામ અંબાજીમાં ગત વર્ષે કોરોના મહામારીને લઈ ભાદરવી પૂનમનો મહામેળો મોકૂફ રખાયો હતો. ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ અંબાજીના મેળાને લઈ ભારે અસમંજસતા જોવા મળી રહી છે. જો કે મેળો અને મંદિર બંધ થઈ શકે છે તેવી દુવિધાને લઈ લાખો પદયાત્રીઓએ વહેલા પદયાત્રા પૂર્ણ કરી છે અને હજી પણ પદયાત્રીઓનો ધસારો અવિરત પણે ચાલુ છે.

જોકે અંબાજી મેળો અને મંદિર બંધ રાખવા કે ચાલુ રાખવા બાબતે કોઈ ચોક્કસ પણે નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આવતી કાલથી મેળાની શરૂઆત થવા જઈ રહી છે તે પૂર્વે વહીવટી તંત્ર કામે લાગ્યું છે. પોલીસના કંટ્રોલ રૂમ, પોલીસ વ્યવસ્થાના માચડા, ટ્રાફિક નિયંત્રણના બેરીકેટ, સહિત મોટો પોલીસ કાફલો પણ અંબાજીમાં તૈનાત કરી દેવાયો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વોટરપ્રુફ મંડપ બાંધી દેવાયા છે.

જ્યારે અંબાજી આવતા લાખો પદયાત્રીઓને પરત પોતાના ઘરે જવા માટેની વ્યવસ્થા પણ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે. જોકે દર વર્ષે એસટી વિભાગ એક હજાર ઉપરાંત એસટી બસની વ્યવસ્થા ઉભું કરતું હતું તેની જગ્યાએ ચાલુ વર્ષે મેળાની અસમંજસતા વચ્ચે પણ રેગ્યુલર રૂટ ઉપરાંત વધારાની 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

(4:58 pm IST)