Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

દહેગામમાં ભરબજારમાં બે રીક્ષા ચાલકો બાખડ્યા:સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

દહેગામ:શહેરમાં ભરબજારમાં આજે નાસભાગના દ્રશ્યો સર્જાય હતા. બે રીક્ષા ચાલકો વચ્ચે નરોડા ખાતે થયેલ બબાલ આખરે દહેગામ આવ્યા બાદ ઉગ્ર બની હતી. જેમાં એક રીક્ષાના ચાલકે બીજા રીક્ષા ચાલકને દોડાવી દોડવી ધારિયાના ઘા માર્યા હતા. સંખ્યાબંધ ધારિયાના ફટકા મારવામાં આવતાં તેની હાલત ગંભીર બની જવા પામી હતી. હૂમલો કરનાર આરોપીએ સામેનો વ્યક્તિ નીચે પટકાયો ત્યાર બાદ પણ તેને મારવાનું ચાલું રાખ્યું હતું. બાદમાં જાતે પોલીસ ચોકી ખાતે હાજર થઈ ગયો હતો. સંખ્યાબંધ લોકોની ઉપસ્થિતિ વચ્ચે સર્જાયેલા દ્રશ્યોએ લોકોમાં દહેશતનો માહોલ ઉભો કર્યો હતો.  તો સૌથી નવાની વાત છે કે જે સ્થળે ઘટના બની હતી તેનાથી માત્ર ૧૦૦ મિટરના અંતરે પોલીસ ચોકી આવેલી છે. જો કે ઘટના પોલીસ કાફલો તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યો હતો.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દહેગામ શહેરમાં આવેલ હર્ષદનગર ટેકરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ વાલજીભાઈ પટેલ (..ર૯) રીક્ષા ચાલવી પોતાનું ગુજરાન ચાલવે છે. જગદીશભાઈ અને શહેરમાં આવેલ ટેસ્ટીલ વિસ્તારમાં રહેતા અલ્તાફ અયુબભાઈ અબદાલ વચ્ચે કોઈ મુદ્દો મતભેદ ચાલી રહ્યા હતા. આજે સવારે જગદીશભાઈ નિત્યક્રમ મુજબ પોતાની રીક્ષા લઈને નરોડા ગયા હતા તે સમયે અલ્તાફ ચાવી વડે રીક્ષાના કાચમાં પડેલ તિરાડમાં કંઈક કરી રહ્યો હતો જે બાબતને લઈ બન્ને વચ્ચે બબાલ થઈ હતી. તે સમયે અલ્તાફે જગદીશને કહેલ કે દહેગામ આવ તને જોઈ લઉ છું તેવી ધમકી આપી હતી. બાદમાં બપોરના સમયે દહેગામ રીક્ષા સ્ટેન્ડ ખાતે રીક્ષા લઈને ઉભો હતો તે સમયે અલ્તાફ હાથમાં ધારિયું લઈને આવ્યો હતો અને જગદીશ પર હૂમલો કર્યો હતો. બચવા માટે જગદીશ ભાગવા લાગતાં આરોપી અલ્તાફે ૧૦૦ મિટર સુધી તેનો પીછો કરી ધારિયાના ટકડા મારવાનું ચાલું રાખ્યું હતું. દરમિયાન જગદીશ નીચે પડી ગયા બાદ પણ તેની પર હૂમલો ચાલું રાખ્યો હતો. બાદમાં અલ્તાફ જાતે પોલીસ ચોકી પહોંચી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને જગદીશને લોહીથી લથબથ હાલમાં દહેગામ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેની હાલત નાજુક જણાતાં ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ જગદીશ બેભાન હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. દહેગામ પોલીસે અમદાવાદ સિવિલ ખાતે પહોંચી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

(6:00 pm IST)