Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ગુજરાતી ગાયિકા કૌમુદી મુનશીનું ૯૧ વર્ષે નિધન

ગુજરાતી ફિલ્મ કાશીના દિકરામાં ગીત ગાયું હતું : મુંબઈમાં છેલ્લા શ્વાસ લીધા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી-વિજયભાઇ રૂપાણીની શ્રધ્ધાંજલિ

અમદાવાદ : ગુજરાતી ભાષાના ખ્યાતનામ ગાયિકા કૌમુદી મુનશીનું ૯૧વર્ષની વયેનું ટૂંકી બિમારી બાદ આજરોજ ૧૩ ઓક્ટોબર, મંગળવારની વહેલી  સવારે ૧.૧૦ કલાકે મુંબઈ ખાતે વિધન થયું છે. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું અદ્વિતીય પ્રદાન છે. તેમણે ફિલમ કાશીનો દિકરોમાં ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા ગીંત ગાયું હતું. જેના સંગીતકાર ક્ષેમુભાઈ દિવેટિયા હતા. આવા તો અનેક જાણીતા સુગમ તેમજ ગુજરાતી ફિલ્મના ગીતો તેમણે ગાયા હતા..

કૌમુદી મુનશીનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ વારાણસી ખાતે થયો હતો, પચાસ વર્ષ સુધી ગુજરાતી સુગમ સંગીતની સેવા કરનાર કૌમુદીબહેન છેક કોરનાકાળ સુધી તેમના શિષ્યોને તાલીમ આપવાની સાથે સંગીત સાથે જોડાયેલાં રહ્યા. વારાણસીના એક જમીનદાર પરિવારમાં તેમનો જન્મ થયો હતો. જ્યાં ઘરના પુરુષો સંગીતના શોખિન પરંતુ સ્ત્રીઓનો તો અવાજ પણ ઘરની બહાર ન નીકળવો જોઈએ. તેમાં ગાવાની તો કલ્પના પણ ન થઈ શકે. કૌમુદીબહેન ત્રણ વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન થયું. આઝાદી બાદ જમીનદારી પણ ગઈ. આ સ્થિતિમાં જ્યારે કૌમુદીબહેન રિયાઝ કરતાં તો એમનાં માતા બારી બારણા ચુસ્ત બંધ કરી દેતાં. આ બધાં જ બંધનો તોડીને કૌમુદીબહેન દાલકીમંડી જેવા વિસ્તારમાં જઇને પણ સંગીતના મહારાણી ગણાતા સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરી દાદરા વગેરે શાસ્ત્રીય સંગીતની વિધાઓ શીખ્યા.

તેમને સુગમ સંગીત ક્ષેત્રે આગળ વધવામાં પતિ નીનુ મઝમૂદારનો ઘણો સહકાર મળ્યો. કૌમુદીબહેને વારાણસીથી આવીને મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી. ૧૯૫૨માં તેમની સાથે સંગીતયાત્રા શરૂ થઈ. એ વખતે નીંનુ મઝમૂદાર સંગીત ક્ષેત્રે નામ બનાવી ચૂક્યા હતા. કૌમુદીબહેનના મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલીમથી નીનૂભાઈ અભિભૂત થયા. તેમની એચેમવી રેકર્ડ બની તેમજ તેઓ આકાશવાણીના ગાયિકા બન્યા. ૧૯૫૪માં નીનુભાઈના પહેલાં પત્ની શારદાબહેનનું નિધન થયા બાદ બંને લગ્ન સંબંધે બંધાયા. તેમના પુત્ર ઉદય મઝમૂદાર પણ સંગીત ક્ષેત્રે ક જાણીતા કલાકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે. કૌમૂદીબહેનને શ્રદ્ધાંજલિ પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે ગુજરાતી સુગમ સંગીતના શિરમૌર ગાયિકા કૌમૂદીબહેને પોતાના મધૂર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલિન બની રહેશે.

(9:20 pm IST)