Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

75 ટકા ટયુશન ફી અંગે જ્‍યાં સુધી ખુલાસો ન કરાય ત્‍યાં સુધી વાલીઓ ફી ન ભરેઃ ફેડરેશન ઓફ પેરેન્‍ટસ એસોસિએશન-વાલી મંડળની અપીલ

અમદાવાદ: ફેડરેશન ઑફ પેરેન્ટ્સ એસોસિએશન એટલે કે વાલીમંડળે તમામ વાલીઓને એવો અનુરોધ કર્યો છે કે જ્યાં સુધી FRC ફી અંગે ખુલાસો ન કરે ત્યાં સુધી વાલીઓએ ફી નહીં ભરવી. FRC 75 ટકા ટ્યુશન ફી અંગે જ્યાં સુધી ખુલાસો ન કરે ત્યાં સુધી વાલીઓ ફી ના ભરે એવું તેમનું કહેવું છે. જેથી ટ્યુશન ફી અંગેના ઓર્ડર વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર મૂકવા તેમની માંગ છે. વાલીમંડળનું કહેવું એમ છે કે વાલીઓને શાળાની ટ્યુશન ફી અંગેની કોઇ જ જાણકારી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાતની શાળાઓ બંધ છે. શૈક્ષણિક કાર્ય પણ નહીંવત એટલે કે ઓનલાઇન શિક્ષણ હાલમાં શરૂ છે. તેમ છતાં શાળા સંચાલકો ફી લેવા અધીરા હતાં. જેથી તેમની નફફ્ટાઇ સામે સરકારે શાળા સંચાલકો સામે નમતુ જોખ્યું હતું. હાઇકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બરના રોજ શાળા સંચાલકોની ફેવરમાં જ 25 ટકા ફી માફીનો નિર્ણય લીધો હતો. જેમાં સ્કૂલ સંચાલકોએ એક ઠરાવ પણ પસાર કર્યો હતો. જેમાં 25 ટકા ફી માફીના લાભ માટે કેટલાંક શરતો અને નિયમો લાગુ કર્યાં હતાં. જેમાં વહેલી તકે ફી ભરવાની સ્કૂલ સંચાલકોની માંગ હતી નહીં તો ફી માફ નહીં થાય તેવું સ્કૂલ સંચાલકોનું કહેવું હતું.

31 ઓક્ટોબર સુધીમાં ફી ના ભરાય તો વાલીઓએ કારણ રજૂ કરવું : શિક્ષણ વિભાગ

આ કારણોસર રાજ્યનાં શિક્ષણ વિભાગે અગાઉ એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં તમામ બોર્ડની શાળાઓને શિક્ષણ વિભાગે સૂચના આપતા જણાવ્યું હતું કે, “2020-21માં શાળાઓ ફી નહીં વધારી શકે. શાળાઓ માત્ર ટ્યૂશન ફી જ લઇ શકશે જેમાં 25 ટકા રાહત આપવી પડશે. સાથે જો વાલી ફી મોડી ભરે તો શાળાઓ દંડ પણ નહીં વસૂલી શકે. પરંતુ બીજી બાજુ સ્કૂલ સંચાલકોને નમતુ જોખી રાજ્ય સરકારે આ પરિપત્રમાં એમ પણ જણાવ્યું હતું કે, 2019-20ની જો ફી બાકી હોય તો તે 31 ઓક્ટોબર સુધીમાં ભરપાઈ કરી દેવી નહીં તો જો 31 ઓક્ટોબર સુધીમાં વાલીઓ ફી ના ભરી શકે તો સ્કૂલ સમક્ષ કારણ રજૂ કરવું પડશે. એમાંય જો સામાન્ય સંજોગોમાં વાલી સક્ષમ ના હોય તો શાળા સંચાલકો પાસે વાલીએ ફી મોડી ભરવા અંગેનું કારણ રજૂ કરવું પડશે. વાલીઓ અનુકૂળતાએ ફી ભરી શકે તેવો આ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટ્યુશન ફી સિવાયની ઇત્તર પ્રવૃત્તિની ફી પણ શાળા નહીં લઇ શકે

આ ઉપરાંત પરિપત્રમાં એમ જણાવાયું હતું કે, ટ્યુશન ફી સિવાયની ઇત્તર પ્રવૃત્તિની ફી પણ શાળા નહીં લઇ શકે. તમામ શાળાઓએ ફરજિયાત 25 ટકાની રાહત આપવી પડશે. FRCએ નિયત કરેલી ફીમાંથી જ રાહત આપવી પડશે. 100 ટકા ટ્યુશન ફી એડવાન્સ ભરી હોય તો તે શાળાએ સરભર કરી આપવાની રહેશે. પરંતુ અહીં વાલીમંડળનું કહેવું એમ છે કે, વાલીઓને શાળાની ટ્યુશન ફી અંગેની કોઇ જ જાણકારી નથી. જેથી જો FRC 75 ટકા ટ્યુશન ફી અંગે જ્યાં સુધી ખુલાસો ન કરે ત્યાં સુધી વાલીઓ ફી ના ભરે. ટ્યુશન ફી અંગેના ઓર્ડર વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર મૂકવા ફેડરેશન ઑફ પેરેન્ટ્સ એસોસિએશન (વાલીમંડળ) ની માંગ છે.

(4:41 pm IST)