Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ઝાલોદના ભાજપના કાઉન્સિલરની હત્યાનો ભેદ ઉકેલાયો: ઇરફાનને ચાર લાખમાં આપી'તી સોપારી: ચારની ધરપકડ

રાજકિય અદાવતની આશંકા : વધુ નામો ખુલે તેવી શકયતા

દાહોદઃ ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની પોલીસ તપાસમાં હત્યાનો ભેદ ખૂલ્યો હતો જેમાં ચાર લાખની સોપારી આપી હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં વધુ નામો બહાર આવવાની શક્યતાઓ રહેલી છે.
   પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત 27 સંપ્ટેમ્બરના રોજ ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલને મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. ગાડીની ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થયેલા હિરેન પટેલને સારવાર અર્થે વડોદરા લઈ જતી વખતે રસ્તામાં મોત નીપજયું હતું ત્યારે બનાવ નાથોડા દિવસો પૂર્વે જ ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં હિરેન પટેલ મુખ્ય ભૂમિકા ભજવી ભાજપને સત્તા અપાવી હતી. તેને લઈને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. કે આ અકસ્માત નથી પરંતુ રાજકીય અદાવતમાં હત્યા થઈ હોવાની ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે કેસ ની ઝીણવટ ભરી તપાસ આરંભી હતી
  દાહોદ એલસીબી,એસઓજી, પંચમહાલ સાબર ક્રાઇમ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો આ કેસમાં તપાસમાં લાગી હતી .આસપાસના વિસ્તારમાં તમામ સીસીટીવી ફૂટેજના આધારે શકાસ્પદ જણાતી એક બોલેરો ગાડીની તપાસ કરી મધ્યપ્રદેશના ગાડી માલિકની અટકાયત કરી હતી. જેનાથી ગોધરાના ઈરફાન પાડાનું નામ ખૂલ્યું હતું.
  પોલીસની સખત પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે ઝાલોદના અજય કલાલ નામના શખ્સે ગોધરાકાંડના આરોપી ઈરફાન પાડાનો સંપર્ક કર્યો હતો અને હિરેન પટેલની હત્યા કરવા માટે સોપારી આપી હતી. અજય કલાલ પ્રોહિબિશનના ગુનામાં પાસા હેઠળ જેલમાં હતો. જ્યાં ઈરફાન પાડાના સંપર્કમાં આવ્યો હતો અને જામીન મૂક્ત થયા બાદ બંને ટેલિફોનિક સંપર્કમાં હતા. ઇરફાનને હિરેન પટેલની હત્યાનું કામ સોપતા ઇરફાને તેના મધ્યપ્રદેશના સાગરીત મોહમ્મદ સમીર મુજાવર અને સજજનસિંગ ચૌહાણનો સંપર્ક કરી બંનેને ઝાલોદ બોલાવ્યા હતા.
  બોલેરો ગાડીમાં બેસી હિરેન પટેલ મોર્નિંગ વોકમાં નીકળ્યા તે સમય રેકી કરી આગળ જતાં બોલેરો પિકઅપ ગાડીથી ટક્કર મારી ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ચાર આરોપી 1- ઈરફાન પાડા, 2-સજજનસિંગ ચૌહાણ, 3 મોહમ્મદ સમીર મુજાવર, 4 અજય કલાલ એમ ચાર આરોપી તેમજ એક બોલેરો અને એક કાર કબ્જે લઈ જે પીકપથી ટક્કર મરવામાં આવી હતી. તે ગાડીની શોધખોળ હાથ ધરી છે.તેમજ આ હત્યા પાછળ હજુ વધુ નામો ખૂલવાની શક્યતાઓ પણ રહેલી છે. તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે હત્યાનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું. પરંતુ રાજકીય અદાવતની આશંકા સેવાઇ રહી છે.

(8:30 pm IST)