Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પાલનપુરના ખેમાણા પાસેથી ચરસ સાથે બે ઝડપાઈ ગયા

રાજ્યમાં પાલનપુર થઇ રાજસ્થાનથી ડ્રગ ઘૂસાડાય છે : ગુજરાત એટીએસ-બનાસકાંઠા એસઓજીએ કારમાંથી એક કરોડથી વધુના ચરસના જથ્થાની સાથે ઝડપી પાડ્યા

પાલનપુર, તા. ૧૪ : ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ બાતમીના આધારે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પાસેથી કારમાંથી રૂ.૧ કરોડથી વધુના ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી હાથ ધરતાં ચકચાર મચી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચરસ ઘુસાડવાનું રેકેટ ચલાવવામાં આવતું હોવાની બાતમી મ?ળતાં ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ રેકેટને ઝડપી લેવા વોચ ગોઠવી હતી. જેમાં રાજસ્થાનથી મંગળવારના રોજ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની બાતમી મળતાં ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક વેગનાર કાર ઉપર શંકા જતાં કારની તલાસી લેવામાં આવતાં કારમાંથી ૧૬.૭૫૩ કિલો ગ્રામ ચરસ જેની કિંમત રૂ.૧,૦૦,૫૧,૮૦૦ સાથે બે આરોપી મુંબઈના માહિમ વિસ્તારમાં લોહાર ચાલી ખાતે રહેતા ફહીમ અજીમ બેગ (ઉ.વ.૩૧) અને ઔરંગાબાદ હરસુલ જહાંગીર કોલોની ખાતે રહેતા સમીર અહેમદ શેખની ધરપકડ કરી આ ચરસ ક્યાંથી લાવવામાં આવ્યુ હતું અને કોને આપવાનું હતું તેમજ આ આરોપીઓ કોઈ બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે

                કે કેમ તે દિશામાં જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે.  ચરસોનો મોટો જથ્થો બે શખ્સો  લુધિયાણા (પંજાબ)થી મુમ્બઇ પાસીંગની વેગનર ગાડી નંબર એમ.એચ-૦૪-એચ.એન-૫૦૭૧માં  પાલનપુર ખેમાણા નજીક આવેલી એક હોટલ પર આવવાના હોવાની એટીએસને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધા હતા. બે શખ્સોને મુમ્બઇ માહિમના અને અમદાવાદ વટવામાં મકાન ધરાવી રહેતા ઇમરાન નામના વ્યક્તિએ જડીબુટી અને દવાઓ લઇ આવવા લુધિયાણા મોકલ્યા હતા અને લુધિયાણા ખાતે સબજી મંડીમાં પહોચતાં ટ્રક નંબર જે.કે.૦૩-બી-૮૪૫૨ આવેલી તેમાથી એક ઇસમ આ ચરસ આપી ગયો હતો. જે લઇ ઇમરાનને આપવા જવાના હતા. આ કામ માટે ઇમરાને તેઓને રૂ.૫૦ હજાર આપવાનું નક્કી કર્યું હતું. જેથી પોલીસે ઇમરાનની શોધખોળ હાથ ધરી છે. પાલનપુર નજીકથી એટીએસ અને એસઓજી પોલીસે ચરસ સાથે પકડેલા બંન્ને આરોપીઓ પરપ્રાતીય હોવાનું બહાર આવ્યુ છે.જેમાંથી ફહિમ અઝીમ બેગ રહે.માહિમ લુહાર ચાલ,નોવેલ્ટી ટાવર ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં એ-૩ માહિમ વેસ્ટ, મું્બઇ, મહારાષ્ટ અને સમીર એહમદ શેખ રહે.જહાંગીર કોલોની,હરશુલ,શફીર કિરાના,ઘર નં.૩૪ ઔરંગાબાદ મહારાટ્ર આમ બંન્ને આરોપીઓ પરપ્રાંતી હોવાનું બહાર આવ્યું હતું. મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં ફિલ્મસ્ટારો સહિત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે ત્યારે ગુજરાતના માર્ગેથી ચરસના જંગી જથ્થા સાથે મુંબઈના બે શખ્સો ઝડપાયા હોઈ ઝડપાયેલો આ ચરસનો જંગી જથ્થો ગુજરાતના રસ્તેથી મહારાષ્ટ્રમાં જઈ રહ્યો હતો કે ગુજરાતમાં જ ક્યાંક લઈ જવાતો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે.

(9:24 pm IST)