Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમદાવાદનો લાલબત્તી સમાન કિસ્સો

યુવકના બર્થ ડે પાર્ટી બાદ ૨૨ જણાને કોરોનાઃ ફુંક મારવાને કારણે ફેલાયો ચેપ

અમદાવાદ, તા.૧૪: અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે એક ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. એક યુવકના બર્થડેમાં પરિવાર દ્વારા મેજિક કેન્ડલ લાવવામાં આવી હતી. યુવક દ્વારા આ મેજિક કેન્ડલને ફૂંક મારવા છતાં તે ઓલવાતી નહોતી. દરમિયાન હાજર લોકોએ આ મેજિક કેન્ડલ સાથે ખૂબ ધીંગામસ્તી કરી હતી પરંતુ તેના કારણે મિત્રો અને પરિવારના ૨૨ વ્યકિતને કોરોનાનો ચેપ લાગ્યો છે. જયારે આ બર્થ ડે પાર્ટીની કેક યુવકની માતાએ નહોતી ખાધી તો તેઓ સુરક્ષિત રીતે કોરોનાથી બચી ગયા હોવાના અહેવાલો પણ છે. જોકે, અમદાવાદનો આ કિસ્સો લાલબત્તી સમાન છે.

 મેજિકલ કેન્ડલને કારણે વારંવાર જોરથી ફૂંક મારવા છતાં કેન્ડલ ઓલવાતી ન હતી. કેક જે રૂમમાં કાપવામાં આવી હતી તે રૂમમાં બેઠેલા ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યાં ન હતાં, જેના કારણે ૫ દિવસમાં ૨૨ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાર્ટીમાં આવેલા, પરંતુ બીજા રૂમમાં બેઠેલા તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

જે યુવકનો બર્થ ડે હતો તે પોઝિટિવ હોવાથી અજાણ હતો અને તે પોઝિટિવ આવતા તેણે સમય સૂચકતા વાપરીને પાર્ટીમાં આવેલા લોકોને ફોન કરીને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી. યુવકની માતાએ કેક ખાધી ન હતી, તેથી તે બચી ગયાં હતાં. તેમના સિવાય સભ્યો પોઝિટિવ આવ્યા હતા.

બર્થડે કેક કટિંગ પછી બહાર ગાર્ડનમાં સંગીત પાર્ટી હતી. તેમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખુરશી મૂકવામાં આવી હતી. બર્થ ડે પાર્ટીમાં કુલ ૪૦થી ૫૦ લોકો ભેગા થયા હતા, પરતું કેટલાક લોકોએ ડિનર લેવાનું ટાળીને માત્ર સંગીત સંધ્યામાં જ હાજરી આપી હતી. જે લોકોએ મોંએ માસ્ક પહેર્યા હતા અને જેમણે સમૂહમાં ખાવાનું ટાળ્યું હતું તે તમામ મિત્રોએ પણ ટેસ્ટ કરાવ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

(11:37 am IST)