Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ખેતર કોને પૂછીને ખેડ્યું કહી આધેડને મારી નાખવા ધમકી

નજીવી બાબત બે પિતરાઈ ભાઈઓ બાખડ્યા : સરભોણના ભાઈ વચ્ચેની તકરાર પોલીસ સ્ટેશને પહોંચી

બારડોલી, તા.૧૪ : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં સરભોણ ગામ ખાતે બે પિતરાઇ ભાઈઓ વચ્ચે મારામારી થતાં ચકચાર મચી ગઈ છે. ખેતર કોને પૂછી ને ખેડ્યું છે તેમ કહી પિતરાઇભાઈએ આધેડને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં સરભોણ ગામે માહયાવંશી મહોલ્લામાં રહેતા ગિરીશભાઈ નરસિંહભાઈ રાઠોડ (૫૫) નાઓ ખેતીકામ તેમજ દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. ગતરોજ તેઓ સરભોણ ખાતે રામજી મંદિરની સામે આવેલ દુકાન ઉપર હાજર હતા તે સમયે તેમના કાકાનો દીકરો દિનેશભાઇ વસંતભાઇ રાઠોડ (રહે, કલ્યાણ, મુંબઈ) નાઓ તેમની પાસે આવ્યો હતો અને જણાવ્યુ હતું કે સરભોણ ગામ ખાતે આવેલ ખેતર કોને પૂછીને ખેડ્યું છે તેમ કહેતા ગિરીશભાઈએ જણાવ્યુ હતું કે તારા બાપુજીને લઈને સરભોણ ગામ ખાતે આવજે મે તેમને બધી વાત કરેલ છે. તેમ કહેતા દિનેશ એકદમ ઉશ્કેરાય ગયો હતો અને ગિરીશભાઈ સાથે મારામારી કરી ધક્કો મારતા ગિરીશભાઈ નીચે પટકાતાં તેમને માથાના ભાગે ઇજા પહોંચી હતી અને દિનેશે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી બનાવ અંગે સરભોણ આઉટ પોસ્ટના જમાદાર સંજયસિંહ સાંડસુરે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:41 pm IST)