Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કાલે વસંતપંચમીઃ વિદ્યાના દેવી સરસ્‍વતીની આરાધનાનો દિવસઃ પીળા વષાો ધારણ કરીને પૂજા કરવાનો મહિમા

દર વર્ષે વસંત પંચમીનો તહેવાર ખાસ ધૂમધામથી મનાવવામાં આવે છે. દેશભરમાં આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. મહા મહિનામાં શુક્લ પક્ષ પાંચમની તિથિને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે 16 ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમી આવે છે. આ દિવસે મા સરસ્વતીના આશીર્વાદથી જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે.

આવી રીતે કરો પૂજા

પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા સરસ્વતી મહા મહિનામાં શુક્લ પક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. એટલે જ આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની આ દિવસે વિધિ-વિધાનથી પૂજા કરવાથી તેમની કૃપા વરસે છે. આ દિવસે તમામ વસ્તુઓ પીળી જ રાખવામાં આવે છે. સાથે જ મા સરસ્વતીની મૂર્તિને પીળા રંગના વસ્ત્રો પણ પહેરાવવામાં આવે છે. આ અવસર પર પીળા ફૂલો, પીળા રંગની મિઠાઈઓ સાથે કેસર કે પીળા ચંદનનો ચાંદલો કરવો શુભ માનવામાં આવે છે. સાથે જ તેમનો પાઠ પણ કરવો જોઈએ.

આ મુહૂર્તમાં કરો પૂજા

પૂજા કરવા માટે 16 ફેબ્રુઆરી સવારે 3 વાગ્યેને 36 મિનિટનું મુહૂર્ત શુભ છે. આ મુહૂર્ત 17 તારીખે સવારે 5 વાગ્યેને 46 મિનિટે સમાપ્ત થશે. આ સાથે 16 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યેને 59 મિનિટથી બપોરના 12 વાગ્યાને 35 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે. સાચા મુહૂર્ત પર માતાનું પૂજન કરવાથી લાભ જલ્દી મળે છે.

માતાને ચડાવો આ પ્રસાદ

આ દિવસે પીળા વસ્ત્ર પહેરીને પૂજા કરવી પડે. જો તમે પૂજા કરવા માંગો છો તો, સ્નાન કરી પીળા વસ્ત્ર ધારણ કરી પીળા મીઠા ભાત બનાવો અને માતાને ભોગ ધરાવો. સાથે જ પ્રસાદમાં પીળા લાડૂ, બૂંદી, માલપુવા અને ખીર ધરાવો. સાથે જ આ દિવસે પીળી વસ્તુઓ અને પુસ્તકોનું દાન કરવું જોઈએ.

(5:05 pm IST)