Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

અમદાવાદમાં લુખ્ખાઓ બેખોફ:રૂપિયાની લેતી-દેતીમાં યુવક પર પાંચ શખ્શો તૂટી પડ્યા : છરીના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ

સ્થાનિકોએ ત્રણ હુમલાખોરોને ઝડપી પોલીસના હવાલે કર્યા

અમદાવાદ : શહેરના સૈજપુર ટાવર નજીક ગઇ કાલે કારમાં આવેલા પાંચ બુટલેગરોએ એક યુવક પર રૂપિયાની લેતી-દેતી મામલે છરીના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિશ કરતાં ચકચાર મચી ગઇ છે. યુવકને બચાવવા માટે તેના કાકા આવી જતાં હુમલાખોરોએ તેમને પણ છરીના ઘા ઝીંક્યા છે. યુવકની હાલત નાજુક છે જ્યારે સ્થાનિકોએ ત્રણ હુમલાખોરોને ઝડપી પોલીસના હવાલે કર્યા છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાતે સૈજપુર ટાવરથી બંગલા એ‌િરયા તરફ જવાના રોડ પર ગઇ કાલે એક કારમાં હેતુ, શશી ચોર, પ્રકાશ ઉર્ફે લાશ, દીપુ પ્રેમનગર અને દીપુ ટમાટર આવ્યા હતા અને પવન થાવાણી નામના યુવકને રોકી તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો.

પવન પર હુમલો થવાની જાણ તેના કાકા કમલેશ થાવાણીને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં હુમલાખોરોએ તેમને પણ છરીના ઘા ઝીંક્યા હતા. હુમલાની આ ઘટનામાં બૂમાબૂમ થઇ જતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને હેતુ, પ્રકાશ અને દીપુ ટમાટરને પકડી પાડ્યા હતા તથા પોલીસના હવાલે કર્યા હતા, જ્યારે શશી ચોર અને દીપુ પ્રેમનગર નાસી છૂટ્યા હતા.

ઉશ્કેરાયેલા ટોળાએ હુમલાખોરોની કારના કાચ તોડી નાખ્યા હતા, જ્યારે બંને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પવનની હાલત નાજુક છે જ્યારે કમલેશ થાવાણીને મોઢા તેમજ છાતી પર ટાંકા આવ્યા છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર નશો કરીને આવેલા હુમલાખોરો અને પવન એકબીજાને ઓળખે છે અને રૂપિયાની લેતીદેતી મામલે તેમની વચ્ચે ફોન પર બબાલ થઇ હતી, જેના કારણે આ ઘટના ઘટી છે.

(12:29 am IST)