Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ભાદરણ પોલીસે યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો: પ્રેમાંધ પત્ની અને તેના પ્રેમી સહીત ત્રણ આરોપીઓ ઝડપાયા

મૃતકની પત્ની અને ભત્રીજીના પ્રેમીઓ સાથે મળી હત્યાને અંજામ આપ્યો

આણંદ જિલ્લાનાં ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રોડ પરથી ગત મંગળવારે ધુવારણનાં યુવકની ગળે ટુંપો આપી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ગણતરીનાં દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે પર પુરૂષનાં પ્રેમમાં અંધ બનેલી પત્ની અને તેનાં પ્રેમી સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

   ગત મંગળવારનાં રોજ સવારમાં મોટી શેરડી ગામથી -ધનાવશી રોડની સાઇડ પર આવેલા તલાવડી પાસેથી અજાણ્યા યુવકનાં ગળે ટુંપો આપી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરતા મૃતક યુવાન ધુવારણ ગામનો ગુલાબસિંહ ચંદુભાઈ ગોહીલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ અંગે ભાદરણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

  પોલીસને મૃતક ગુલાબસિંહની પત્નીને તેમજ તેઓની ભત્રીજીને અન્ય યુવક સાથે સબંધ હોવાની માહીતી મળતા પોલીસે મૃતકની પત્ની દક્ષાબેનનાં પ્રેમી કંકાપુરા ગામનાં અર્જુનભાઈ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર અને મૃતકની ભત્રીજીનાં પ્રેમી ધનશ્યામભાઈ ભાઈલાલભાઈ પરમારને ઝડપી પાડી ઝીણવટભરી પુછપરછ કરતા બન્નેએ પોતાનાં સાગરીતો સાથે મળી હત્યા કરી હોવાની કબુલાત કરી છે.

  મૃતક  યુવક ગુલાબસિંહની પત્નીને અર્જુન સાથે પ્રેમ સંબધ હોવાથી પતિ ગુલાબસિંહનો કાંટો બની નડતો હતો. તેમજ મૃતકની ભત્રીજી સાથે ધનશ્યામને પ્રેમસંબધ હોવાથી આ પ્રેમસંબધમાં પણ ગુલાબસિંહ નડતરરૂપ હતો. ઘટનાનાં ચાર દિવસ પૂર્વે ગુલાબસિંહને પોતાની પત્ની દક્ષાને અર્જુન સાથે પ્રેમસંબધ હોવાની જાણ થતા તેણે પત્ની દક્ષાને ઠપકો આપ્યો હતો. તેમજ ભત્રીજીનાં પ્રેમસંબધની જાણ થતા ગુલાબસિંહએ તાત્કાલીક ભત્રીજીની સગાઈ અન્ય સ્થળે કરી દેતા અર્જુન અને ધનશ્યામએ દક્ષા સાથે મળીને ગુલાબસિંહની હત્યા કરવાની યોજના બનાવી હતી.

યોજના મુજબ દક્ષા પોતાનાં પતિ ગુલાબસિંહને બદલપુર ગામે લઈને આવી હતી. ત્યાંથી ગુલાબસિંહને રીક્ષામાં બેસાડીને અર્જુન તેમજ ધનશ્યામએ પોતાનાં માસીયાઈ ભાઈ કુલદિપસિંહ ઉર્ફે કુદો અને મિત્રો ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સિંધા અને લાલજીભાઈ અરવિંદભાઈ ઉર્ફે અનુભાઈને બોલાવી લીધા હતા. ત્યારબાદ તેઓ ફરતા ફરતા છીણપુરા સીમમાં ગુલાબસિંહને દોરડી વડે ગળે ટુંપો આપી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ યોજના મુજબ ગુલાબસિંહના મૃતદેહને ગંભીરા નદીમાં ફેંકી દેવા રીક્ષા લઈને નિકળ્યા હતા. મૃતદેહને નદીમાં ફેંકવા જતા હત્યારાઓને પકડાઈ જવાની બીક લાગતા તેઓ મોટી શેરડી ગામથી ધનાવસી રોડ પર તળાવડી પાસે મૃતદેહને ફેંકીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે હત્યાનાં બનાવમાં અર્જુનભાઇ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર, ઘનશ્યામભાઇ ભાઇલાલભાઇ પરમાર કુલદિપસિંહ ઉર્ફે કુદો દિલીપસિંહ પરમાર, લાલજીભાઇ અરવિંદભાઇ ઉર્ફે અનુભાઇ પરમાર, દક્ષાબેન ગુલાબસિંહ ચંદુભાઇ પરમારની ઘરપકડ કરી છે. જયારે ધર્મેન્ર્દસિંહ અમરસિંહ સિંધા ખોડુભાઇ પ્રભાતસિંહ પરમારને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે

(12:05 pm IST)