Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

તા. ૧૮ થી ૨૨ પક્ષો સાથે પરામર્શ : ઓકટોબર અંતમાં ચૂંટણીની જાહેરાત

કોરોનાની પરિસ્થિતિ નિર્ણાયક : હાલ ચૂંટણી પંચ દ્વારા સમયસર ચૂંટણીની તૈયારી : કાલે કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ : માન્ય રાજકીય પક્ષો સાથે વાંધા - સૂચનોની ઓનલાઇન ચર્ચા

રાજકોટ તા. ૧૫ : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ૬ મહાનગરો, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૦ જેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજવા માટે તૈયારી આગળ વધારવામાં આવી છે. ચૂંટણી યોજવામાં કોરોનાની પરિસ્થિતિ નિર્ણાયક બનશે. હાલ સમયસર ચૂંટણી મુજબની તૈયારી ચાલી રહી છે. ચૂંટણી સમયસર જ યોજવાની થશે તો ઓકટોબર અંતમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ પડી જશે. તા. ૧૪ નવેમ્બરે દિવાળી છે ત્યારપછી મતદાન થશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જ્યાં હદમાં ફેરફાર થયેલ તેવા મહાનગર, તાલુકા કે જિલ્લા માટે નવુ સીમાંકન જાહેર કરી વાંધા - સૂચનો માંગવામાં આવ્યા છે. તા. ૧૮ થી ૨૨ સપ્ટેમ્બર માન્ય રાજકીય પક્ષો સાથે જે તે જિલ્લા કલેકટર કચેરીથી ચૂંટણી પંચ ઓનલાઇન પરામર્શ કરશે. વાંધા - સૂચનો ઉપરાંત ચૂંટણીને લગતા અન્ય મુદ્દાઓ પણ આવરી લેવામાં આવશે. અનામત બેઠકોની ફાળવણી સામે વાંધા - સૂચનો માંગવાની જોગવાઇ નથી.  ચૂંટણી પંચે આવતીકાલે તા. ૧૬મીએ તમામ જિલ્લા કલેકટરો સાથે ચૂંટણીલક્ષી વિડીયો કોન્ફરન્સ રાખી છે. જેમાં મતદાર યાદી, મતદાન મથકોની પસંદગી વગેરે બાબતોની ચર્ચા થશે. કોરોનાની પરિસ્થિતિમાં પ્રથમ વખત ચૂંટણી આવી રહી હોવાથી આરોગ્યલક્ષી ગાઇડ લાઇન મુજબ વિશેષ તૈયારી ચાલી રહી છે. કાલની વિડીયો કોન્ફરન્સમાં ચૂંટણી પંચના કમિશનર સંજયપ્રસાદ અને સચિવ મહેશ જોષી માર્ગદર્શન આપશે.

(3:42 pm IST)