Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

વડાપ્રધાન મોદીના જન્મદિવસે ઠેર -ઠેર કાર્યક્રમો : બનાસકાંઠામાં લવાણા ખાતે 2071 દેશી કુળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે

251 જેટલાં દંપતિઓ વૃક્ષોની પૂજા કરીને વાવેતર કરશે. :ડ્રીપ પણ ફીટ કરાશે : વૃક્ષોરોપણ સ્થળનું ‘ મોદી વન ‘ નામાધિકરણ કરાશે.

અમદાવાદ :વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંય ગુજરાતમાં ઠેક ઠેકાણે કાર્યક્રમો યોજીને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

17 સપ્ટેમ્બરના વડાપ્રધાનના જન્મદિવસે બનાસકાંઠામાં લાખણી પાસેના લવાણા ખાતે 2071 દેશી કુળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. 251 જેટલાં દંપતિઓ વૃક્ષોની પૂજા કરીને વાવેતર કરશે. આ વૃક્ષોને નિયમિત પાણી મળી રહે તે માટે ડ્રીપ પણ ફીટ કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ વૃક્ષોના જતન માટે વાયર ફ્રેન્સીંગ કરવામાં આવશે. આ વૃક્ષોરોપણ સ્થળનું ‘ મોદી વન ‘ નામાધિકરણ કરાશે.

ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેષ પટેલ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહર અને રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઇ જેબલીયા ઉપસ્થિત રહેશે.

દૂધ સાગર ડેરીના ડિરેકટર અને પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રીઓ સરદારભાઇ ચૌધરી તથા હિરેન હીરપરાએ વધુમાં જણાવ્યું છે કે, તે જ દિવસે બપોરે 3-30 કલાકે મહેસાણા ખાતે કિસાન સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરીને મહેસાણા જિલ્લામાં બગાયત સહિત વેલ્યુએડીશન કરતાં ખેડૂતને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેસાણા જિલ્લા કિસાન મોરચાના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યાં છે.

બનાસકાંઠાના કાર્યક્રમમાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તથા મહેસાણા ખાતેના આ કાર્યક્રમમાં દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સહિતના જિલ્લાના સ્થાનિક આગેવાનો હાજર રહેશે.

(10:42 pm IST)