Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગાંધીનગરના મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેર સ્થળો પર ડસ્ટબીન મુકવામાં આવ્યા

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર સ્થળો ઉપર ડસ્ટબીન મુકવામાં આવ્યા છે ત્યારે કોર્પોરેશને સ્માર્ટ ડસ્ટબીનનો પ્રોજેકટ હાથ ઉપર લીધો હતો જેની કામગીરી હવે શરૃ કરી દેવામાં આવી છે. હાલ શહેરના કોમર્શિયલ વીસ્તાર આસપાસ સ્માર્ટ ડસ્ટબીનની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે જે ડસ્ટબીન ભરાઈ જતાંની સાથે જ તંત્રના અધિકારીઓને જાણ થઈ જશે. એટલું જ નહીં જમીનમાં આ ડસ્ટબીન રહેવાના કારણે આસપાસમાં ગંદકી થશે નહીં. અલગ અલગ સ્થળે ૮૦ જેટલા ડસ્ટબીન મુકવાનું આયોજન છે.   

ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા પાસે હાલ સૌથી મોટુ કામ સફાઈનું છે ત્યારે આ મામલે તંત્ર કાંઈને કાંઈ નવું કરવા જઈ રહયું છે. ડોર ટુ ડોર ગાર્બેઝ કલેકશન યોજના અમલી છે ત્યારે શહેરમાં કોમર્શિયલ વિસ્તારો આસપાસ રોજીંદો ઉત્પન્ન થતો કચરો ઠાલવવા માટે ડસ્ટબીન મુકવામાં આવ્યા છે પરંતુ આ ડસ્ટબીન બહાર હોવાથી પશુઓ દ્વારા કચરો આરોગવાના કારણે ગંદકી થતી હોય છે એટલું જ નહીં ડસ્ટબીન આસપાસ કચરો પડી રહેવાના કારણે દુર્ગંધ પણ ફેલાતી હોય છે. ત્યારે આ સ્થિતિમાં કોર્પોરેશને ગાંધીનગરમાં સ્માર્ટ ડસ્ટબીન મુકવાનું નક્કી કર્યું હતું. જે માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે પૂર્ણ થઈ જતાં હવે એજન્સી પાસે કામગીરી પણ શરૃ કરાવવામાં આવી છે. સે-૧ અને ૩માં હાલ સ્માર્ટ ડસ્ટબીન માટે કામગીરી શરૃ થઈ ગઈ છે. જમીનની અંદર આ સ્માર્ટ ડસ્ટબીન રાખવામાં આવશે. જયાં ડસ્ટબીનની ફરતે  વોલ ઉભી કરવામાં આવશે તેની અંદર કચરો ઠાલવવામાં આવશે જે સીધો ડસ્ટબીનની અંદર જશે. ડસ્ટબીન ભરાઈ ગયા બાદ તંત્રને સિસ્ટમ મારફતે જાણ થઈ જશે અને સમયાંતરે ડસ્ટબીન ખાલી કરાવવામાં આવશે. સુકા અને ભીના કચરા માટે બે અલગ અલગ ડસ્ટબીન રાખવામાં આવનાર છે. હાલ તો શહેરના મોટા કોમર્શિયલ વિસ્તારો આસપાસ આ ડસ્ટબીન મુકવામાં આવનાર છે ત્યારબાદ સોસાયટીની બહાર પણ આ પ્રોજેકટની અમલવારી શરૃ કરવામાં આવશે. એટલું જ નહીં હાલ તો ૮૦ જેટલા ડસ્ટબીન માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં નવા વિસ્તારોમાં પણ આ પ્રોજેકટને લઈ જવામાં આવશે. 

(5:49 pm IST)