Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ડો.ચંદ્રકાન્ત મહેતાને પદ્મશ્રી સન્માન સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપઃ ડો.અનિલ દશાણી

રાજકોટઃ ગરવી ગુર્જર ધરાના સિધ્ધ અને પ્રસિધ્ધ લેખક - સાહિત્યકાર ડો. ચંદ્રકાન્ત મહેતાની ભારત સરકાર દ્વારા ગૌરવવંતા પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી થતા હૈયે હરખની હેલી ચડી છે. મેં તેમના અમૂલ્ય માર્ગદર્શન હેઠળ હીરામણિ સંકુલના વિદ્યાર્થી તરીકે 'અકિલા' વિષયક મહાનિબંધ તૈયાર કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ ક્ષેત્રે ડોકટરેટની પદવી મેળવી છે તેથી મને અને મારા જેવા તેમના સેકંડો વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ પ્રસંગની અપાર પ્રસન્નતા હોય તે સ્વાભાવિક છે.

ડો. ચંદ્રકાન્ત મહેતા એટલે સિધ્ધાંતોમાં સમતોલ, પ્રસ્તુતિમાં પારંગત અને અનુભવના અદકેરા આદમી. હંમેશા ચહેરા પર ચમક, ઉરમાં ઉમળકો, આંખોમાં આનંદ, વાણીમાં વિનમ્રતા અને હોઠ પર હાસ્ય તેમની આગવી ઓળખ છે. તેમની પ્રેરણારૂપ કલમમાંથી ઉદ્યડતી સવાર જેવો ઉજાસ અને આથમતી સંધ્યા જેવી શિતળતા પ્રગટે છે. નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતુ તેમનું વ્યકિતત્વ અદ્વિતીય છે. તેમની વિદ્વતા વિધાતાના વરદાનરૂપ છે. તેમના જ્ઞાનનો સમાજને અવિરત લાભ મળતો રહે અને તેમનું જીવન સર્વાંગી સુખમય બની રહે તેવી શુભકામના અને પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.

 ચંદ્રકાન્ત મહેતા સાહેબને વંદન વારંવાર, પદ્મશ્રી બદલ અભિનંદન અપરંપાર

- ડો. અનિલ એસ. દશાણી

અકિલા  પરિવાર, રાજકોટ મો.નં, ૯૯૭૪૧ ૦૧૧૧૦

(3:18 pm IST)